Mon Aug 17 2026

Logo

લખપત તાલુકામાં રસ્તા અને પુલના નિર્માણ અર્થે રૂ.14.80 કરોડ મંજૂર: અબડાસા અને નખત્રાણામાં તળાવોના કામો માટે રૂ.14.36 કરોડ ફાળવાયા

2026-08-02 12:45:00
Author: Mumbai Samachar Team
Article Image

અંતરિયાળ છેવાડાના વિસ્તારોને મુખ્ય ધોરીમાર્ગો સાથે સાંકળવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છના અબડાસા વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા અંતરિયાળ અને છેવાડાના ગામોને મુખ્ય ધોરીમાર્ગો સાથે સાંકળવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત લખપત તાલુકામાં નવા માર્ગો અને પુલના નિર્માણ અર્થે રૂ.14.80 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અબડાસા અને નખત્રાણા તાલુકામાં તળાવોને ઊંડા કરવા તથા રિપેરિંગ અર્થે રૂ.14.36 કરોડથી વધુના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિકાસકામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સીમાવર્તી લખપત તાલુકાના પંજાબીવાંઢ એપ્રોચ રોડ માટે રૂ.5.50 કરોડ, નરાથી ઝુમારા માર્ગના શેડ સુધારણા અર્થે રૂ.6.20 કરોડ તેમજ આ જ માર્ગ પર આવેલા જૂના કોઝવેના સ્થાને નવા પુલિયાના નિર્માણ માટે રૂ.2.50 કરોડની રકમ મંજૂર કરાઈ છે.

બીજી તરફ, અબડાસા તાલુકાના ઉકીર ગામે નવા તળાવના નિર્માણ માટે રૂ.6.15 કરોડ, વાઘપધ્ધર ગામે આશાપુરા નવા તળાવ માટે રૂ.7.83 કરોડ તેમજ નખત્રાણા તાલુકાના પાલનપુર (બાંડી) ગામે આવેલા સોનાવાળા તળાવને ઊંડું કરવા અને રિપેરિંગ અર્થે રૂ.38.10 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રજાલક્ષી આ મહત્વપૂર્ણ વિકાસકામો મંજૂર કરવા બદલ ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉત્સવ વૈદ્ય