નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં પહેલી વખત પરાજિત થઈ અને એ સફળતા રાજસ્થાન રૉયલ્સે મંગળવાર, 28મી એપ્રિલે ન્યૂ ચંડીગઢમાં મેળવી હતી, પરંતુ આ સિદ્ધિની ટીમ દ્વારા પૂરી ઉજવણી થાય એ પહેલાં જ વિજેતા ટીમના કૅપ્ટન રિયાન પરાગે મોટો વિવાદ ઊભો કર્યો જેમાં તેણે ડ્રેસિંગ-રૂમમાં વૅપિંગ (ઇ-સિગારેટ) પીધી એનો વીડિયો વાઇરલ થયો અને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ તેને આ વિષયમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે.
આઇપીએલની એક સીઝન રમવાના રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝી પાસેથી 14 કરોડ રૂપિયા મેળવતા રિયાન પરાગની આ હરકતથી ક્રિકેટ-નિષ્ણાતો તેમ જ ક્રિકેટચાહકો નિરાશ અને ક્રોધિત છે. રિયાન પરાગે વૅપિંગનું સેવન કરી રહ્યો હતો એ ક્ષણનો વીડિયો વાઇરલ થતાં આખો મામલો જોત જોતામાં વિશ્વ સ્તરે ચગી ગયો છે. એ સમયે ડ્રેસિંગ-રૂમમાં યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ પણ હાજર હતા.
— you (@_utsavojha) October 17, 2020
નવાઈની વાત એ છે કે રાજસ્થાને મંગળવારે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે 223 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં 4/228ના સ્કોર સાથે મેળવી લીધો હતો. રાજસ્થાને પંજાબને છ વિકેટથી હરાવ્યું એને પગલે એક તરફ રાજસ્થાનની ટીમના ચાહકો વિજયની ઉજવણી કરી રહ્યા હતા ત્યાં બીજી બાજુ કૅપ્ટન રિયાન (Riyan)ની ઑફ-ધ-ફીલ્ડ કરતૂતને લીધે રાજસ્થાનની ટીમનું નામ ક્રિકેટના ફલક પર વગોવાઈ જવાની શરૂઆત થઈ ગઈ હતી.
રિયાને ડ્રેસિંગ-રૂમમાં ચૂપકીદીથી ઇ-સિગારેટ પીધી એનો વીડિયો વાઇરલ થતાં તેની પોલ ખુલ્લી પડી ગઈ છે. તેણે અગાઉ આવું ક્યારે અને કેટલી વખત કર્યું એની તપાસ બીસીસીઆઇ દ્વારા થશે. રાજસ્થાનની ટીમ અગાઉથી જ વિવાદમાં છે. ટીમના મૅનેજર રૉમી ભિંડરે તાજેતરમાં ડગઆઉટમાં મોબાઇલનો ઉપયોગ કર્યો એ બદલ બીસીસીઆઇ (BCCI)એ તેમને એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. હવે રિયાન પરાગની વધુ ગંભીર કરતૂત થઈ છે.
વૅપિંગ શું છે?
વૅપિંગ (Vaping) એટલે ઇલેકટ્રોનિક સિગારેટ (ઇ-સિગારેટ)નું સેવન જેમાં વેપ જેવા બૅટરી-સંચાલિત જેવા ઉપકરણોના માધ્યમ દ્વારા નિકોટિન, ફ્લેવર (સ્વાદ) કે અન્ય રસાયણોથી બનેલા ઍરોસોલ (ધુમાડો)ને શ્વાસમાં લેવામાં આવે છે. ભારતમાં વૅપિંગ પર પ્રતિબંધ છે અને એના સેવનથી ફેફસાંનું કૅન્સર થવાની સંભાવના રહે છે. એમાં તમાકુ નથી હોતું, પણ બીજા રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.
અગાઉ કયા ખેલાડીઓએ આવો વિવાદ જગાવેલો?
(1) 2020ની આઇપીએલમાં આરૉન ફિન્ચ રાજસ્થાન-બેંગ્લૂરુની મૅચ દરમ્યાન ડ્રેસિંગ-રૂમમાં વૅપિંગ (ઇ-સિગારેટનું સેવન) કરી રહેલો લાઇવ-ટેલિકાસ્ટ દરમ્યાન કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.
(2) આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાની એસએ20 નામની લીગ દરમ્યાન એબી ડિવિલિયર્સ વીઆઇપી સ્ટૅન્ડમાં વૅપિંગમાં મશગૂલ દેખાયો હતો. તે કૅમેરામાં ઝડપાઈ ગયો એની જાણ થતાં તેના ચહેરા પર ભયભીતના ભાવ જોવા મળ્યા હતા.
(3) ન્યૂ ઝીલૅન્ડના બે્રન્ડન મૅક્લમે 2015ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલ દરમ્યાન ટૉઇલેટમાં સ્મોકિંગ કર્યુ હતું.
(4) ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સે 2019માં વર્લ્ડ કપની ફાઇનલ વખતે લૉર્ડસના સ્મોકિંગ કર્યું હતું.
રિયાનનો મામલો કેમ છે ગંભીર?
રિયાન પરાગનો મામલો ગંભીર માનવામાં આવે છે. આઈપીએલના નિયમો મુજબ, ડ્રેસિંગ-રૂમ કે ડગઆઉટમાં સ્મોકિંગ, જેમાં ઈ-સિગારેટ અને વેપ પણ સામેલ છે તે પૂરી રીતે પ્રતિબંધિત છે. આ મામલાની તપાસ બીસીસીઆઇ અને આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ કરી રહી છે.
ભારતમાં શું છે સજાની જોગવાઈ
ભારતમાં વેપિંગ ડિવાઈસ ગેરકાનૂની છે. નિયમોના ભંગ બદલ 60 હજારથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ તથા 6 મહિનાથી 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.