Sat Sep 05 2026

Logo

અમદાવાદની ગુજરાત કૉલેજમાં બબાલ, વિદ્યાર્થીનું માથું દીવાલ સાથે અથડાવતાં થયો લોહીલુહાણ

2026-08-06 11:54:00
Author: Mayur Patel
અમદાવાદની ગુજરાત કૉલેજમાં બબાલ, વિદ્યાર્થીનું માથું દીવાલ સાથે અથડાવતાં થયો લોહીલુહાણ

અમદાવાદઃ શહેરની ગુજરાત કૉલેજમાં ફરી એક વખત બબાલ થઈ હતી. જૂની અદાવતમાં થયેલી માથાકૂટમાં વિદ્યાર્થીને ફટકારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનું માથું દીવાલ સાથે અથડાવતાં લોહીલુહાણ થયો હતો.

શું છે સમગ્ર મામલો

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ગુજરાત કૉલેજમાં બીએસસીના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તે પોતાના મિત્રો સાથે કૉલેજ કેમ્પસમાં આવેલા નેહરુ હોલ પાસે બેઠો હતો ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા હતા અને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.

બેફામ મારના કારણે વિદ્યાર્થી  નીચે પડી ગયો હતો. જે બાદ એબીવીપીના કાર્યકર્તાઓએ તેનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. જેના કારણે તેને માથામાં લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનાના કારણે આસપાસ અન્ય વિદ્યાર્થીઓ એકત્ર થઈ ગયા હતા. જેથી એબીવીપીના કાર્યકર્તાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લોહી બંધ કરવા માટે માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે વિદ્યાર્થીએ એબીવીપીના કાર્યકર્તાઓ પ્રિન્સ દેસાઈ, આર બી મુંધવા તથા અન્ય સાગરીતો સામે કેસ નોંધાવ્યો હતો. જે બાદ એલિસબ્રિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.