Tue Oct 06 2026

Logo

વડા પ્રધાનના નામે જાહેરાત કરી નિવૃત આર્મી જવાન સાથે રોકાણના નામે ઠગાઈ

2026-09-09 18:55:23
Author: Pooja Shah
વડા પ્રધાનના નામે જાહેરાત કરી નિવૃત આર્મી જવાન સાથે રોકાણના નામે ઠગાઈ

અમદાવાદઃ શહેરના ઠક્કરનગરમાં રહેતા નિવૃત આર્મી જવાન સાથે સાયબર ગઠિયાઓએ રોકાણના નામે 46.92 લાખ રૂપિયા પડાવ્યા છે. આર્મીજવાને ફેસબુક પર રીલ જોઈ હતી જેમાં વડાપ્રધાનના નામે ખોટી જાહેરાત કરવામાં આવી હતી. આર્મી જવાનને વિશ્વાસ આવતા 70 લાખનું રોકાણ કર્યું હતું, જેમાંથી રૂ. 23 લાખ જ પરત આપવામાં આવ્યા હતા. બાકીની રકમ પરત ના મળતા આર્મી જવાને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. 

ઠક્કરનગરમાં રહેતા 48 વર્ષીય આર્મીજવાને ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરે હતા ત્યારે ફેસબુક પર એક રીલ જોઈ હતી, જેમાં વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 22,000 નું રોકાણ કરવાથી મહિનાના 3.50 લાખ રૂપિયા કમાઈ શકો છો.

આર્મી જવાને વિશ્વાસ કરી લીધો હતો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટર કરાવ્યું હતું, જેમાં જાણીતા બિઝનેસમેન,રાજકારણી અને સેલિબ્રિટી દ્વારા પણ આ જાહેરાત સંબંધિત પોસ્ટ કરવામાં આવી હતી. શરૂઆતમાં આર્મી જવાન પાસેથી 22 હજાર રૂપિયા ભરાવ્યા હતા. જે બાદ નફો કમાવવા માટે ટ્રેડિંગ કરવાનું કહ્યું ત્યારે આર્મી જવાને રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.

શરૂઆતમાં રૂ. 7200 નો નફો થયેલો બતાવ્યો હતો. જેથી વધુ વિશ્વાસ આવતા આર્મી જવાને સાઇબર ગઠિયાઓએ કહ્યું તે મુજબ અલગ અલગ ખાતામાંથી કુલ રૂ. 70.82 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેની સામે એપ્લિકેશનમાં 2.25 કરોડ રૂપિયાનો નફો બતાવતો હતો. ધીરે ધીરે રનિંગ લોસ વધતો ગયો જેથી આર્મી જવાને પૈસા ઉપાડવાનો શરૂ કર્યા ત્યારે 23.89 લાખ રૂપિયા હતા.

બાકીના 46 લાખ રૂપિયા ઉપાડવા હોય તો રોકાણ કરવાનું જણાવ્યું હતું. આર્મીજવાનને શંકા જતા સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનના નંબર પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.