- પ્રફુલ શાહ
ડોનલ્ડ ટ્રમ્પના ડોનલ ડેઈલી વોર ઓપેરા શો પતવાનું નામ જ નથી લેતો ત્યારે અમેરિકાની એક હકીકત અજાયબભરી લાગ્યા વગર નહિ રહે. જુજ રાજકીય પંડિતો નજીકના ભવિષ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વિઘટન-અમુક રાજ્યોના છુટા પડવાની આ મહાસત્તાની જ અંદર દુનિયાનો એક અનોખો ‘દેશ’ હોવાનું માની શકાય? સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર ઇન્ટરનેટ પર બનાવેલો કલ્પિત દેશ નથી; તેની પાસે વાસ્તવિક જમીન, સરહદ, સરકારી મકાન અને મુલાકાતીઓ માટે પર્યટન વ્યવસ્થા સુધ્ધા છે.
એ ’દેશ’ છે મોલોસિયા (Molossia). આ ‘રિપબ્લિક ઑફ મોલોસિયા’ છે અમેરિકાના નેવાડા રાજ્યમાં. એનું મુખ્ય ક્ષેત્ર ડેટોન, નેવાડા નજીક છે, રેનો શહેરથી આશરે 50 કિમી દૂર. તેનો મુખ્ય વિસ્તાર માત્ર 4.5 હેક્ટર એટલે કે 11.3 એકર જેટલો છે. તેની સાથે કેલિફોર્નિયાના પણ બે નાના પ્રદેશો હોવાનો દાવો મોલોસિયા કરે છે. તે પોતાને સ્વતંત્ર દેશ માને છે અને જાહેર પણ કરે છે,
સત્તાવાર માહિતી પ્રમાણે તેની કુલ વસ્તી 37 માથાની છે, 36 માનવી પ્લસ અને 1 શ્વાન!
આ મોલોસિયાના વર્તમાન અને લાંબા સમયથી ચાલતા નેતા એટલે કે પ્રમુખ કેવિન બો (Kevin Baugh) છે. મોલોસિયાની સત્તાવાર વેબસાઇટ તેમને પ્રેસિડેન્ટ ઉપરાંત હેડ ઑફ ગવર્નમેન્ટ તરીકે પણ દર્શાવાયા છે.
મોલોસિયાની કલ્પનાના મૂળમાં બે કિશોરોની કલ્પનાથી શરૂ થઈને 49 વર્ષથી ચાલતા ‘દેશ’ સુધી પહોંચેલી અનોખી સફર છે. આનો આરંભ એક ફિલ્મથી થયો એ નક્કી. 1977માં અમેરિકાના પોર્ટલેન્ડ, ઓરેગોનમાં કિશોર કેવિન બો અને તેના મિત્ર જેમ્સ સ્પિલમેને 1959માં બનેલી ’ ધ માઉસ ધેટ રોઅર્ડ (The Mouse That Roared) નામની ફિલ્મ જોઈ. એની વાર્તામાં એક અત્યંત નાનું ગરીબ રાષ્ટ્ર અમેરિકા સામે યુદ્ધ જાહેર કરે છે. આમાંથી બેઉ દોસ્તોને અને પોતાનું રાષ્ટ્ર બનાવવાનો તુક્કો સુઝ્યો. તેમણે 1977ની 26મી મેએ ગ્રાન્ડ રિપબ્લિક ઑફ વુલ્ડસ્ટીન નામનું કાલ્પનિક રાષ્ટ્ર બનાવ્યું. તેમણે પોતાનો ધ્વજ, ચલણ, કાયદા અને રાષ્ટ્રગીત પણ બનાવ્યાં હતા.
1980થી 1992 વચ્ચે તેઓ દેશનું નામ બદલાતાં રહ્યાં. એ સમયે આ દેશનું કોઈ વાસ્તવિક ભૂમિ-ક્ષેત્ર નહોતું. જાણે નોમેડિક-ભટકતી સરકાર હતી. આમ છતાં કેવિન બોએ પોતાની કલ્પનાનો તંત ધરાર ન છોડ્યો.
અને 1995માં બોએ આ કલ્પિત રાષ્ટ્રને નેવાડામાં સ્થાનાંતરિત કર્યું. પછી 1998માં તેમણે ડેટન, નેવાડા નજીક જમીન ખરીદી. હવે પોતાના ‘મોલોસિયા’ માટે તેની પાસે પોતીકી જમીન આવી હતી. મે 1998માં આ જમીન પર મોલોસિયા અસ્તિત્વમાં આવ્યું.
પરંતુ ત્યાર પછી તેની રાજકીય વ્યવસ્થા પણ બદલાતી રહી. દાખલા તરીકે જૂન 1998માં રાજાશાહીના અંત સાથે ત્યાં કામચલાઉ સામ્યવાદી સરકાર બની. 1998ના સપ્ટેમ્બરમાં મોલોસિયા બીજા એવા જ દેશ યુનાઈટેડ પ્રોવિન્સ ઑફ યુટોપિયામાં જોડાઈ ગયું. 1999ના ફેબ્રુઆરમાં ફરી સ્વતંત્ર થઈને બન્યું પિપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ મોલોસિયા. કેવિન બો બની ગયા દેશના પ્રીમિયર. 3 સપ્ટેમ્બર 1999ના રોજ રિપબ્લિક ઑફ મોલોસિયા બન્યું અને કેવિન બો હવે બન્યા પ્રમુખ. બોએ 2000 પછી મોલોસિયાને માત્ર એક રમત ન રાખીને તેની રાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી કરી. મોલોસિયાને પોતાની ટપાલ સેવા, રેલવે, નૌકાદળ, બેંક, ચલણ વાલોરા,સમય ઝોન, રાષ્ટ્રીય તહેવારો અને સ્પેસ પ્રોગ્રામ પણ મળ્યા. મોલોસિયાની સત્તાવાર વેબસાઇટ આજે પણ આ બધી સંસ્થાઓની યાદી મોજુદ છે.
આ માઇક્રોનેશનની હજી ઘણી વિશેષતા અને અમુક સવાલો પણ છે.
(ક્રમશ:)