ગણેશોત્સવ બાદ હવે ટૂંક સમયમાં જ નવરાત્રિની તૈયારીઓ શરૂ થશે અને ગરબાના તાલે ઘુમવા માટે યુવાપેઢીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ તહેવારોની આ ઉમંગ અને લાગણીઓની આડમાં સાયબર ઠગોએ લોકોને છેતરવા માટે એક અત્યંત વિચિત્ર અને નવો કીમિયો અપનાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (Instagram, Facebook અને WhatsApp) પર હાલ ‘રેન્ટ એ ગરબા પાર્ટનર’ના નામે આકર્ષક પોસ્ટરો અને મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ જાહેરાતોમાં દાવો કરવામાં આવે છે કે જો તમારી પાસે ગરબા રમવા માટે કોઈ સાથી (પાર્ટનર) નથી, તો તેઓ તમને પસંદગી મુજબ ગરબા પાર્ટનર ભાડે અપાવશે. આ આકર્ષક જાળ પાછળ રૂપિયા 1000થી લઈને રૂપિયા 6000 સુધીની છેતરપિંડી આચરવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે નાગરિકો માટે સત્તાવાર એડવાઈઝરી જાહેર કરી છે.
સાયબર ઠગો કેવી રીતે બિછાવે છે છેતરપિંડીની જાળ?:
સોશિયલ મીડિયા પર પ્રમોટ કરાતા આ પોસ્ટરોમાં ‘સિલ્વર’, ‘ગોલ્ડ’ અને ‘પ્લેટિનમ’ જેવી લલચામણી કેટેગરી બનાવવામાં આવે છે. દરેક કેટેગરી મુજબ રૂપિયા 1000થી માંડીને રૂપિયા 6000 સુધીની ફી વસૂલવામાં આવે છે. જેવો કોઈ યુવક કે યુવતી રસ દાખવી સંપર્ક કરે, એટલે ઠગો તેમને વ્યક્તિગત વિગતો પૂછે છે અને ગરબા પાર્ટનર બુક કરવા માટે તાત્કાલિક UPI/QR કોડ મોકલી પૈસા ટ્રાન્સફર કરવા કહે છે. યુઝર એકવાર પૈસા ચૂકવી દે તે પછી ઠગો ફોન બંધ કરી દે છે અથવા વોટ્સએપ પર બ્લોક કરી દે છે. પરિણામે, ગરબા પાર્ટનર તો મળતો જ નથી, પરંતુ મહેનતની કમાણી સીધી સાયબર ગુનેગારોના ખિસ્સામાં જતી રહે છે.
ફિશિંગ લિંક અને શંકાસ્પદ એપીકે ફાઇલથી બેંક એકાઉન્ટ ખાલી થવાનું મોટું જોખમ:
માત્ર પૈસા પડાવવા પૂરતું જ આ મર્યાદિત નથી; ઠગો ગરબા પાર્ટનરની પ્રોફાઇલ પસંદ કરવાના બહાને શંકાસ્પદ એપીકે ફાઇલ (એપ) ડાઉનલોડ કરવાની લિંક કે ફિશિંગ વેબસાઇટની લિંક મોકલે છે. યુઝર જેવો આ અજાણી APK ફાઇલ પોતાના મોબાઇલમાં ઈન્સ્ટોલ કરે કે તરત જ ફોનનો કંટ્રોલ હેકર્સના હાથમાં જતો રહે છે. તેનાથી બેંકિંગ પાસવર્ડ, અંગત તસવીરો અને OTP ચોરી થઈને આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
પોલીસે આપી ચેતવણીઃ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તહેવારોની મોસમમાં લોકોની લાગણી અને ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવવા સાયબર ઠગો દર વખતે નવી યુક્તિઓ શોધે છે. ગરબા ઉત્સવની લોકપ્રિયતાને વટાવી ખાવા માટે ‘રેન્ટ એ ગરબા પાર્ટનર’ નો આ નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર દેખાતા આવા કોઈપણ ભ્રામક અને લલચામણા દાવાઓ પર આંધળો વિશ્વાસ ન કરવો.