લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યોની વિધાનસભાઓની... એ વખતના ઓપિનિયન પોલ કે પછી પરિણામ પહેલાં જાહેર થતાં એક્ઝિટ પોલ મોટાભાગે ભળતી દિશામાં દોરી જતા પુરવાર થયાં. એમાંય પ્રેસ-ટીવી મીડિયાની આડેધડ રજુઆતને લીધે આવાં પોલ્સની વિશ્ર્વસનીયતા સાવ ધોવાઈ ગઈ છે
કવર સ્ટોરી - વિજય વ્યાસ
પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરલમ્, આસામ અને પુડ્ડુચેરી એ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતી કાલે સોમવારે છે.
આ મતગણતરીમાં શું થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે ત્યારે બીજી તરફ મીડિયામાં એક્ઝિટ પોલની ચોવટ પૂરજોશમાં ચાલુ છે. તેમાં પણ સૌથી વધારે ચોવટ પશ્ર્ચિમ બંગાળના એક્ઝિટ પોલની છે, કેમ કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન પૂરું થયું પછી થયેલા એક્ઝિટ પોલ્સમાં બંગાળમાં મમતા બેનરજીના 15 વર્ષના એકચક્રી શાસનનો અંત આવશે ને ભાજપની સરકાર રચાશે એવો વર્તારો આ એક્ઝિટ પોલ્સમાં થયેલો છે. બાકીનાં રાજ્યોમાંથી આસામમાં ભાજપની જીતની હેટ્રિકની આગાહી કરવામાં આવી છે તો કેરલમ્માં ડાબેરી મોરચાની હાર અને કૉંગ્રેસની જીતની થશે એવી આગાહી કરવામાં આવી છે તો એ બધા વચ્ચે તમિલનાડુમાં સ્ટાલિનની ડીએમકે ફરી સત્તામાં આવશે અને પુડ્ડુચેરીમાં ફરી એનડીએની સરકાર રચાશે એવું આ વર્તારાણ કહે છે.
અત્યારે માહોલ એવો છે કે ભાજપ આ એક્ઝિટ પોલને સાચા માનીને હરખાઈ રહ્યો છે જ્યારે મમતાની તૃણમૂલ કૉંગ્રેસે તેની સાવ ઉપેક્ષા કરી છે. મીડિયા એક્ઝિટ પોલ અંગે સવાલ કરે તો તૃણમૂલ કૉંગ્રેસના નેતા જવાબ આપવાની તસદી પણ નથી લઈ રહ્યા. ‘સોમવારે પરિણામ આવશે ત્યારે બધી ખબર પડી જશે !’ એવું કહીને બાબ્બુમોશા ચાલતી પકડે છે.
લોકશાહીમાં મીડિયા મહત્ત્વનું છે એ જોતાં તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓનું વલણ આંચકાજનક લાગે પણ તેમાં તેમનો વાંક નથી, કારણ કે ભારતમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ ગરબડિયો છે અને મોટા ભાગે તો એક્ઝિટ પોલ ખોટા જ પડે છે, છતાં ટીવી ચેનલો એક્ઝિટ પોલ પથ્થર કી લકીર હોય એમ માનીને તૃણમૂલ કૉંગ્રેસ હારી જ ગઈ છે એમ માનીને વર્તે તો તૃણમૂલના નેતા બીજું કરે પણ શું ?
ભારતમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હોય તેનાં અનેક ઉદાહરણ છે. આપણે ત્યાં એક્ઝિટ પોલનો ઈતિહાસ તપાસશો તો ભાગ્યે જ કોઈ એવા પોલ મળશે કે જે સાચા પડ્યા હોય. તેના કારણે ભારતમાં એક્ઝિટ પોલના નામે પોલંપોલ જ ચાલે છે એવી છાપ પડી ગઈ છે, જે અમુક અંશે ખરી પણ છે.
એક્ઝિટ પોલ ખોટા પડ્યા હોય તેનું સૌથી મોટું ઉદાહરણ તો 2024ની લોકસભાની ચૂંટણી છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તમામ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એવું કહેતા હતા કે, ભાજપ સત્તામાં વાપસી કરશે અને સળંગ ત્રીજી વાર લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે. 2024માં 1જૂને લોકસભાના છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન પૂરું થયું પછી જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપના ભવ્ય વિજયની આગાહી કરવામાં આવી હતી. મોટા ભાગના એક્ઝિટ પોલમાં આગાહી થઈ હતી કે ‘મોદી મેજિક એવો ચાલશે કે, ભાજપ એકલા હાથે 300 કરતાં વધારે બેઠકો જીતીને પોતની તાકાત પર સરકાર રચશે...’
ભાજપે ‘અબ કી બાર 400 કે પાર’ જેવું સૂત્ર રમતું કરેલું. ભાજપે પોતાના માટે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે 400થી વધારે બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. કેટલાક એક્ઝિટ પોલની આગાહી હતી કે, ભાજપના નેતૃત્વ હેઠળનો એનડીએ 400 કરતાં વધારે બેઠકો જીતી શકે છે જ્યારે મોટા ભાગના એક્ઝિટ પોલના તારણ પ્રમાણે એનડીએને 365 બેઠકો અને ભાજપ 310ની આસપાસ બેઠકો જીતશે.
ચૂંટણીનાં પરિણામ આવ્યાં તેમાં ભાજપને 310 બેઠકો મળવાની વાત છોડો, પણ સ્પષ્ટ બહુમતી પણ નહોતી મળી. ભાજપ 240 બેઠકો જીતીને લટકી ગયેલો અને નીતિશ કુમાર તથા ચંદ્રાબાબુ નાયડુની મહેરબાનીથી સરકાર રચવાના દિવસો આવી ગયેલા. મોદી મેજિક ક્યાં હવા થઈ ગયો એ કોઈને ખબર નહોતી પડી.
લોકસભાની ચૂંટણીના છ મહિના પછી યોજાયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સત્તા કબજે કરશે એવી આગાહી કરાયેલી. તેના બદલે ભાજપે જીતીને સરકાર રચી.
આ તો બે જ ઉદાહરણ આપ્યાં, પણ આવાં તો ઘણાં ઉદાહરણ મળી આવશે. ભારતમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ ખોટા પડવાનો જ છે. ભારતમાં એક્ઝિટ પોલ સાચા નથી પડતા તેનું કારણ તેમાં ચાલતું તેનું લોલંલોલ છે. ભારતમાં એક્ઝિટ પોલના નામે લોકોને બેવકૂફ બનાવાય છે ને પાંચ-પચ્ચીસ લોકોને પૂછીને તેમના અભિપ્રાયને આખા મતવિસ્તારના જનાદેશમાં ખપાવવાનું ધૂપ્પલ ચલાવાય છે.
ભારતની એક વિધાનસભા મતવિસ્તારમાં બે-ત્રણ લાખ મતદારો હોય છે ને લોકસભા મતવિસ્તારમાં 15 લાખથી વધારે મતદારો હોય છે. આપણે ત્યાં એક્ઝિટ પોલ થાય તેમાં એક મતવિસ્તારમાંથી માંડ પચ્ચીસેક લોકોના અભિપ્રાય પૂછાતા હોય છે. હવે બે-ત્રણ લાખ મતદારોએ કોને મત આપ્યા હશે તેની ખબર પચ્ચીસ લોકોને પૂછવાથી કઈ રીતે પડી શકે ? તમે એક ટકા મતદારોને પૂછીને તેના આધારે કોઈ તારણ કાઢો તો એ સમજી શકાય કેમ કે એક ટકા મતદારો એટલે ત્રણ હજાર મતદારો થયા.
ત્રણ હજાર મતદારોને પૂછો તો મતવિસ્તારના તમામ વય જૂથના, જ્ઞાતિના, અલગ અલગ શૈક્ષણિક લાયકાતની કેટેગરી વગેને કવર કરી શકો, પણ 25 મતદારો એટલે 0.01 મતદારો થયા ને આટલા ઓછા મતદારો કઈ રીતે કોઈ પણ મતવિસ્તારના મિજાજનું પ્રતિબિંબ પાડી શકે?
બીજું એ કે, ભારતમાં એક્ઝિટ પોલ વૈજ્ઞાનિક પધ્ધતિથી તૈયાર થતા હોવાના દાવા થાય છે, પણ વાસ્તવમાં કોઈ વૈજ્ઞાનિક પધ્ધતિ જ નથી. આપણે ત્યાં પોલ કરનારી એજન્સીઓ અને તેનું પ્રસારણ કરનારાં માધ્યમ અલગ અલગ છે. પોલ કરનારી એજન્સીઓ પાસે એટલો સ્ટાફ હોતો નથી કે બધા મતવિસ્તારોમાં ફરી શકે ને જે ડેટા આવે તેનું એનાલિસિસ કરી શકે. બીજી તરફ ટીવી ચેનલોને મતદાન પૂરું થાય કે તરત એક્ઝિટ પોલ બહાર પાડીને પોતે સૌથી આગળ હોવાના દાવા કરવામાં રસ હોય છે.
ચેનલોને વિશ્વસનિયતાની ચિંતા નથી ને એક્ઝિટ પોલ ખોટા પડશે તો પોતાની આબરૂનો ધજાગરો થશે તેની પરવા નથી. તેમને તો મતદાન પતે એટલે લોકોને કોણ જીતશે એવો જે રસ ઊભો થયો હોય છે એ વટાવીને રોકડી કરવામાં રસ હોય છે. એજન્સીઓને પણ આ વાતની ખબર છે તેથી એ પણ દેઠોક પોતાની રીતે પોલ તૈયાર કરીને ચેનલોને આપી દે છે અને લોકોને પિરસી દેવાય છે.
આ બધી લોચા લાપસી વચ્ચે ઓપિનિયન અને એક્ઝિટ પોલના કારણે મીડિયાની વિશ્વસનયતાનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે. ટીવી ચેનલો પણ પોતાની દુકાન ચલાવવા માટે-વ્યૂયર રેટિંગ વધારવા માટે આવા ઘૂપ્પલમાં આડકતરી રીતે ભાગીદર બને છે એવી છાપ જ પડી ગઈ છે અને બીજી તરફ પણ ચેનલોને વિશ્વસનિયતાની કંઈ પડી નથી. પોતે ખોટા પડ્યા તેની કોઈ શરમ નથી ને એકદમ બેશરમ બનીને આખી વાત પર પડદો પાડી દેવામાં આવે છે.
મજાની વાત પાછી એ છે કે, કોઈ વાર અડસટ્ટે કોઈ પોલ સાચા પડી જાય તો ચેનલો ફાંકાફોજદારી કરવા તરત કૂદી પડે છે પણ પોલ ખોટા પડે ત્યારે કોઈ ચેનલ એમ કહીને કોની માફી નથી માગતી કે, બે દિવસ પહેલાં અમે બતાવેલા પોલ પોલંમપોલ નિકળ્યા છે તેથી તમને ખોટી માહિતી આપવા બદલ અમને માફ કરી દેજો.
બીજી રીતે જોઈએ તો લોકો માટે પોલ મતદાન એ પતે ને પરિણામ આવે એ વચ્ચેનો ટાઈમ પાસ કરવા માટેનું મનોરંજન છે. લોકો પણ બે-ચાર દાડા એ મનોરંજન મેળવે છે ને પોલ ખોટા પડે તો ‘ચેનલોવાળા ચોર છે’ એવું કહીને ઘરે જઈને સૂઈ જાય છે. ચેનલોનો કોઈ જવાબ માગતું નથી તેથી વરસોથી આ ખેલ ચાલ્યા કરે છે ને ચાલતો રહેશે.
પશ્ર્ચિમ બંગાળ સહિતનાં પાંચ રાજ્યમાં પરિણામ જાહેર થવામાં વચ્ચે આડી રાત જ છે ત્યારે આ વખતે એક્ઝિટ પોલ કેટલા સાચા પડે છે કે નહીં એ હવે જોવાનું રહ્યું