Sat Sep 12 2026

Logo

જાડેજાએ એવું તે શું કર્યું કે ગંભીર મુદ્રામાં બેઠેલો ગૌતમ હસી પડ્યો?

Colombo   2026-08-09 17:36:44
Author: Ajay Motiwala
જાડેજાએ એવું તે શું કર્યું કે ગંભીર મુદ્રામાં બેઠેલો ગૌતમ હસી પડ્યો?

કોલંબોઃ ભારતના ઓછામાં ઓછા આઠ ખેલાડી હાલમાં કોઈને કોઈ ઈજાને કારણે મેદાનથી દૂર છે અને ટેસ્ટ તથા વન-ડેનો કૅપ્ટન શુભમન ગિલ હાથની આંગળીની ઈજાને લીધે માંડ-માંડ મુક્ત થઈ રહ્યો છે ત્યારે કહી શકાય કે શ્રીલંકામાં ટીમ ઇન્ડિયા અત્યારે ટેન્શનમાં તો છે જ. જોકે શનિવારે રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકા (SriLanka) ક્રિકેટ ઇલેવન સામેની વૉર્મ-અપ મૅચ દરમ્યાન ડ્રેસિંગ-રૂમની બાલ્કનીમાં હેડ-કોચ ગૌતમ ગંભીર અને તેની બાજુમાં બેઠેલા અન્ય સાથીઓનું મનોરંજન કર્યું હતું.

ટીમ ઇન્ડિયાનો સિનિયર-મોસ્ટ ખેલાડી અને સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Jadeja) આટલી સારી મિમિક્રી પણ કરી જાણે છે એ પહેલી વખત જોવા મળ્યું. તેણે સાથી સ્પિનર કુલદીપ યાદવની બોલિંગ ઍક્શનની સ્ટાઇલ કરીને બધાને હસાવ્યા હતા. જાડેજાની આ કુલદીપ-સ્ટાઇલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.

એક સમય હતો જ્યારે જાડેજાની જોડી રવિચન્દ્રન અશ્વિન સાથે ખૂબ જામી હતી. બન્નેએ જોડીમાં સ્પિનના તરખાટથી હરીફ ટીમોના બૅટ્સમેનોને ચક્કર ખવડાવી દીધા હતા અને ટીમ ઇન્ડિયાને ઘણી મૅચો જિતાડી હતી. અશ્વિન નિવૃત્ત થઈ ગયો ત્યારથી જાડેજાની કુલદીપ સાથે જોડી જામી છે. કુલદીપની અગાઉના વર્ષોમાં યુઝવેન્દ્ર ચહલ સાથે જુગલબંધી હતી, પણ ચહલને ત્રણ વર્ષથી ભારત વતી રમવા નથી મળતું એટલે કુલદીપના સાથી સ્પિનર તરીકે જાડેજા વધુ જોવા મળે છે.

જાડેજાએ પહેલાં તો હસતાં હસતાં કુલદીપની ફુલ-ફ્લેજમાં ઍક્ટિંગ કરી હતી અને પછી નજીકમાં બેઠેલા હેડ-કોચ ગૌતમ ગંભીરને કંઈક કહ્યું હતું અને ગંભીર ખડખડાટ હસી પડ્યો હતો. કુલદીપને શ્રીલંકામાં એકમાત્ર વૉર્મ-અપ મૅચના પ્રથમ દાવમાં 76 રનમાં બે વિકેટ મળી હતી.