Tue Oct 06 2026

Logo

રાજકોટમાં બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: 8 વર્ષથી ભારતમાં રહેતી હતી

2026-04-18 13:23:00
Author: Mayur Patel
રાજકોટમાં બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: 8 વર્ષથી ભારતમાં રહેતી હતી

રાજકોટઃ શહેરમાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. રૈયા ચોકડી પાસેથ બંને બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રહેતી હતી. રાજકોટ એસઓજી ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના ગૃહ વિભાગની કડક સૂચના બાદ છેલ્લા 10 મહિનાથી કાયદેસર દસ્તાવેજો વગર રહેતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ આ ઝુંબેશ હેઠળ ચાર બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સમર્પિત હેલ્પલાઇન દ્વારા રૈયા ચોકડી પાસે રહેતી બે શંકાસ્પદ મહિલાઓ વિશે સત્તાવાળાઓને જાણ કરી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે છેલ્લા એક અઠવાડિયાથી તે વિસ્તારમાં સર્વેલન્સ અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મહિલાઓની અટકાયત કરી તેમની પાસે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટેના માન્ય દસ્તાવેજો માંગ્યા હતા. જોકે, તેઓ કોઈ પણ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ, સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન મહિલાઓએ કબૂલાત કરી હતી કે તેઓ આશરે આઠ વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. તેઓ લગભગ છ થી સાત વર્ષ સુધી સુરતમાં રહી હતી અને ત્યારબાદ દોઢ વર્ષ પહેલા રાજકોટ શિફ્ટ થઈ રૈયા ચોકડી વિસ્તારમાં રહેતી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં બંને આરોપી મહિલાઓ કસ્ટડીમાં છે અને તેમને પરત તેમના દેશ (ડિપોર્ટેશન) મોકલવા માટેની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.