રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં 23 અને 24 ફેબ્રુઆરીના રોજ અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ મનપાના અધિકારીઓએ સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે આ કામગીરી પાછળ થયેલા અંધાધૂંધ ખર્ચના બિલો સામે આવતા જ પ્રજાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થયો, તેને લઈને સવાલો થઈ રહ્યાં છે. સ્ટાફ અને અધિકારીઓના ભોજનનું રૂપિયા 27 લાખનું મસમોટું બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાતા જ ભારે રાજકીય હોબાળો મચી ગયો હતો, જો કે,હાલ પૂરતી આ દરખાસ્ત અટકાવી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મિનરલ પાણીનું બિલ 12,40,028 રૂપિયા!
ચોંકાવનારી વિગત એ છે કે આ રૂપિયા 27 લાખના ખાણી-પીણીના બિલમાં ડિમોલિશન સ્ટાફ અને અધિકારીઓ માટે સમોસા, ગાંઠિયા, જલેબી, ભોજનની થાળી તેમજ પ્રીમિયમ મીઠાઈઓ જેવી કે કાજુકતરી અને ખજૂર રોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આટલું ખાધા પછી પણ અધિકારીઓ ધરાયા નહોતા. ખાતા પછી અધિકારીઓ જાણે વર્ષોથી પાણી માટે તરસી રહ્યાં હોય તેમ રૂપિયા 12 લાખના મિનરલ વોટર પી ગયાં હતાં. જો કે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તમાં મિનરલ વોટરનો કોઈ ઉલ્લેખ જ નહોતો. બની શકે કે, મનપા લાખો રૂપિયાના પાણી બિલ બંધ બારણે કરવાનો પ્લાન ઘડી રહ્યાં હતાં. પરંતુ અધિકારીઓનો ભાંડો ફૂટી ગયો છે કે, તેઓ માત્ર જનતાની રૂપિયા વેડફી રહ્યાં છે.
મનપાના સત્તાધીશો જનતાના રૂપિયાને પોતાની સંપત્તિ સમજે છે?
ભ્રષ્ટાચાર અને વિવાદથી બચવા માટે મનપાના સત્તાધીશોએ આ આખા ખર્ચને બે અલગ-અલગ વિભાગો વચ્ચે વહેંચી દીધો હતો જેથી કોઈને એકસાથે મોટો આંકડો ન દેખાય! નાસ્તા અને જમવાની વ્યવસ્થા ફૂલ વિભાગને સોંપવામાં આવી હતી. જ્યારે પાણી અને મંડપની વ્યવસ્થા સાંસ્કૃતિક વિભાગને કરવાની હતી. કુલ મળીને આ ડિમોલિશન દરમિયાન અધિકારીઓએ 46,31,652 રૂપિયાનું બિલ બનાવ્યું છે. જેમાં માત્ર 27,20,946 રૂપિયાનું બિલ રજૂ કર્યું હતું. બાકી વોટર સપ્લાયનું બિલ 12,40,028 રૂપિયા અને મંડપ સર્વિસનું બિલ 6,70,678 રૂપિયાનું બનાવવામાં આવ્યું હતું.
સામાન્ય નાસ્તા-પાણીનું બિલ 46 લાખ સુધી પહોંચી ગયું
ચોંકાવનારી વાત એ છે કે, આટલા રૂપિયાનો ખર્ચ જે વાસ્તવમાં થયો છે કે, કેમ તે પણ એક પ્રશ્ન છે, તેવામાં મનપાના અધિકારીઓનું કહેવું છે કે, સ્ટાફ વધારે હોવાથી માત્ર સામાન્ય ફૂડ પેકેટ, બિસ્કિટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ હતી અને કોઈ વૈભવી નાસ્તો મોકલાયો નહોતો. પ્રશ્ન એ છે કે, જો સામાન્ય નાસ્તા પાણી માટેનું બિલ 46 લાખ રૂપિયા થયું છે, જો અધિકારીઓએ વૈભવી નાસ્તો કર્યો હોત તો ખર્ચો ક્યાં પહોંચ્યો હોત! હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ મામલો કોઈ કાર્યવાહી કે પગલા લેવામાં આવે છે કે, પછી ભીનું સંકેલી લેવાશે.