રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા અત્યારે અધિકારીઓના લાખો રૂપિયાના નાસ્તા-પાણીના બિલને લઈને ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન વખતે અધિકારીઓ અને પદાધિકારીઓનો ખાણીપીણીનો ખર્ચ 46 લાખની આસપાસ આવ્યો અને નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા આખી બોડી સાથે રાજકોટની જનતા હલબલી ગઈ છે. આવી નાની વાતમાં જો ખળભળાટ થઈ જતો હોય તો ભૂતકાળમાં કરોડોના ન પચે તેવા બિલ ચૂપચાપ પસાર થઈ ગયા છે. ત્યારે ધરતીકંપ કેમ ના આવ્યા?
ભૂતકાળમાં તો આખા આખા રોડના રોડ ખવાઈ ગયા!
ખાલી કાજુકતરી કે ખમણ ભજીયા, ખજૂર રોલ ખવાયા તેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના તથા અન્ય પદાધિકારીઓના ભાવ ઊંચા થઈ ગયા? જ્યારે ભૂતકાળમાં તો આખા આખા રોડના રોડ ખવાઈ ગયા! બિલ મુકાણા અને પાસ પણ થઈ ગયા, ત્યારે કોઈ પત્તુ પણ હલ્યું નહીં અને હવે આ બિલ કેમ ચર્ચામાં આવી રહ્યાં છે! નવી કમિટી સારું કામ કરી રહી છે તેવો અત્યારે તો સીનારીઓ છે. પરંતુ સાચી ખ્યાતિ અને સારું કામ કર્યાનો રજીસ્ટર ટ્રેડમાર્ક જોઈતો હોય તો ભૂતકાળના પાસ થયેલા બિલો તંત્રએ પ્રજા સમક્ષ મૂકવા જોઈએ અને તેની સમીક્ષા કરવી જોઈએ. ખોટા બીલ હોય તેને યોગ્ય કાર્યવાહી સાથે રિફંડ લઈ કોર્પોરેશનની તિજોરીમાં પરત મુકાવવામાં આવે, તો કહેવાય કે કમિટીએ સારૂ કામ કર્યું છે.
મંડપ સર્વિસનું બિલ નવ લાખ રૂપિયા
રૂપિયા 27 લાખના બિલનો મુદ્દો હજી પત્યો નથી ત્યાં પાછલા બારણેથી સાંસ્કૃતિક કમિટી દ્વારા એક મંડપ સર્વિસનું નવ લાખનું બિલ મુકાયું અને પસાર પણ થઈ ગયું! એટલું જ નહીં પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, 200 ml પાણીની ઠંડી બોટલ બજારમાં પાંચ રૂપિયામાં મળે છે, જ્યારે બિલમાં ઉમિયા મંડપ સર્વિસ કોર્પોરેશનને 8 રૂપિયામાં સપ્લાય કરે છે. તપાસ કરતા રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે 200 ml ની બોટલના આઠ રૂપિયા છે. તપાસનો વિષય એ છે કે 8 રૂપિયાનો રેટ કોન્ટ્રાક્ટ કોણે કર્યો?
150 રૂપિયાની જમવાની થાળીના 210 રૂપિયા કોણે નક્કી કર્યાં?
ડિમોલિશન વખતે સામાજિક સંસ્થાઓએ ભોજન વ્યવસ્થા પણ કરેલી, ઠંડા-પીણાંની અને ચા-પાણીની તમામ વ્યવસ્થા ઘણી બધી સામાજિક સંસ્થાઓએ ઉપાડેલી તે પણ શંકાના દાયરામાં છે. પત્રકાર પરિષદમાં નાસ્તાનું બિલ એક ડીશના 210 રૂપિયાની આસપાસનું મોકલ્યું છે. જમવાની ડીશ 150 રૂપિયામાં આવે અને નાસ્તાના આ બિલ ગળે ઉતરે તેવા જ નથી. અને તે પણ આરાધના ટી સ્ટોલ કે જે માત્ર ચા-પાણી અને નાસ્તો વેચે છે તેના બિલમાં મીઠાઈનું બિલ આવ્યું છે. તો પ્રશ્ને એ થાય છે કે, ચા વેચતા વ્યક્તિના નામે મીઠાઈનું બિલ કેવી રીતે બની ગયું?
કોર્પોરેશનની નવી સમિતિ આ વખતે જે રીતે જનરલ બોર્ડ ચાલ્યું તે ઇતિહાસમાં દાખલો બેસાડે તેવું રહ્યું. ગત ટર્મ દરમિયાન માત્ર અડધી પોણી કલાકમાં જનરલ બોર્ડ પૂરું થઈ જતું. બધું મંજૂર, મંજૂરને મંજૂર એવી નીતિઓ ચાલતી હતી. લોકોને પહેલીવાર ખબર પડી કે પ્રશ્નો કઈ રીતે રજૂ થાય અને તેનું નિરાકરણ કઈ રીતે થાય અને અધિકારીઓનો રોલ શું છે? ખરેખર તો પોતાના જ પક્ષના ભૂતકાળના પદાધિકારીઓ દ્વારા જે બિલ મંજૂર થયા છે તેને ફરી તપાસ કરવામાં આવે અને જો કોઈ ગોટાળા લાગે તો તેમની પાસેથી રૂપિયા વસુલી અને તિજોરીમાં ફરી જમા કરાવવા જોઈએ. રજામાં વાહ વાહ થાય પરંતુ ઉપર સુધી હાહાકાર મચી જાય! હવે જોવાનું એ રહે છે કે, શહેરના નવા મેયર, ચેરમેન અને અન્ય પદાધિકારીઓ રાજકોટની પ્રજાનું હિત કેટલું જુએ છે?