રાજકોટઃ જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર અને ડાયરા કિંગ કીર્તિદાન ગઢવી હાલ વિવાદમાં છે. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે ટેક્સ અંગે આપેલા નિવેદન મુદ્દે રાજકોટના પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને મોરચો માંડ્યો છે. પુરુષોત્તમ પીપળીયાની પોસ્ટ મુજબ, રાજકોટમાં આ બંને લોક કલાકારોને ડાયરા માટે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડાયરો કરવા માટે માયાભાઈ આહિરને 3.50 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને બે ડાયરા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 લાખ જેવી મોટી રકમ ચૂકવાઈ હોવાનો આરોપ લગાવાયો છે.
પુરુષોત્તમ પીપળીયાએ બંને કલાકારોને ચૂકવવામાં આવેલી રકમનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જે મુજબ રાજકોટમાં મવડી ચોક લોકડાયરો માટે કીર્તિદાન ગઢવીને રૂપિયા 5 લાખ, રામપીર ચોકડી લોકડાયરો માટે માયાભાઈ આહીરને રૂ. 3.50 લાખ તથા પાણીના ઘોડા પાસે, પેડક રોડ લોકડાયરો માટે કીર્તિદાન ગઢવીને રૂ. 5 લાખ ચૂકવવામાં આવ્યા હતા.
આ પહેલા પણ પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી પર નિશાન સાધ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, શા માટે ગાળો કાઢો છો? કીર્તિ અને માયા નામ બધાજ જેન્ડરમા ફીટ થાય છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસાનો આ પ્રકારે વ્યય કરવા સામે પણ વિપક્ષ અને સામાન્ય નાગરિકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વિવાદ હાલમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને કલાકારો તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.

શું હતો મામલો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમાં યોજાયેલા એક ડાયરાના કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહીરે વીડિયો બનાવતા લોકો પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો હતો. માયાભાઈ કહ્યું કે, કેટલાક લોકો જે રેશનિંગનું અનાજ ખાય છે અને જેમણે ક્યારેય ટેક્સ નથી ભર્યો, તેવા લોકો એવું કહે છે કે તમે અમારા ટેક્સના પૈસાથી પગાર ખાવ છો અને આવા જ લોકો વીડિયો બનાવે છે.