રાજકોટઃ રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓએ પક્ષપલટો કરવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં ભાજપને રાજકીય ઝટકો લાગ્યો હતો. ભાજપના પૂર્વ મહામંત્રી રણછોડભાઈ ઉઘરેજા સહિત કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભાજપનો છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
કોની હાજરીમાં જોડાયા કોંગ્રેસમાં
કોંગ્રેસ દ્વારા આયોજિત જોડાણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપૂતની હાજરીમાં રણછોડભાઈ ઉઘરેજા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.
ભાજપ પર શું કર્યો આક્ષેપ
ભાજપ છોડ્યા બાદ રણછોડભાઈ ઉઘરેજાએ આક્ષેપ કર્યો કે ભાજપમાં તેમના સમાજની સતત અવગણના કરવામાં આવી રહી છે. છેલ્લા 35 વર્ષથી સમાજના એકપણ આગેવાનને યોગ્ય રાજકીય પદ મળ્યું નથી, જ્યારે સંખ્યા અને સામાજિક દૃષ્ટિએ મોટો સમાજ હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી તેવો તેમણે આક્ષેપ કર્યો છે.
ભાજપે શું કહ્યું
આક્ષેપોને લઈને ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે પૂર્વ મહામંત્રીના કોંગ્રેસમાં જોડાવાથી રાજકોટના રાજકારણમાં તેની કેટલી અસર થાય છે તે જોવું મહત્વનું રહેશે.