ભુજઃ નૈઋત્યના ચોમાસાની ઋતુ હવે સત્તાવાર વિદાયની તૈયારીમાં છે ત્યારે રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ‘સેકન્ડ સમર’ એટલે કે ભાદરવા મહિનાના આકરા તાપ અને બફારાનું સામ્રાજ્ય છવાયું છે. ૩૬ ડિગ્રીને પાર પહોંચેલા મહત્તમ તાપમાન અને આકરા ઉકળાટ વચ્ચે રવિવારે સાંજ ઢળતાં જ વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો. લોકલ કન્વેક્ટિવ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાગડ પંથકથી માંડીને ભુજ, ગાંધીધામ, મુંદરા અને લખપત સુધી જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.
અસહ્ય ગરમી બાદ રવિવારે સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયાં હતાં. વાગડના રાપર, બાલાસર અને ભચાઉ પંથકમાં તેમજ મુન્દ્રા અને માતાના મઢમાં તોફાની પવન સાથે ઝાપટાં પડ્યા હતા. જિલ્લા મથક ભુજમાં રાત્રે સવા આઠ અને ટૂંકી બ્રૅક બાદ અગિયાર વાગ્યાના અરસામાં ડરામણી વીજળીના ચમકારા સાથે જોરદાર ઝાપટું તૂટી પડતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. પવનના જોરને કારણે ભુજમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી.
સત્તાવાર આંકડા અનુસાર ભુજમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ૧૧ મિ.મી., માંડવીમાં ૫ મિ.મી. અને ગાંધીધામમાં સાંજે ૬ થી ૮ વાગ્યા વચ્ચે ૨ મિ.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. રાપર અને ગ્રામ્ય પંથકોમાં સ્થાનિક સ્તરે જોરદાર ઝાપટાં પડ્યા હોવા છતાં મુખ્ય રેઈનગેજ મથકે નોંધણી નહિવત રહી હતી. વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરી હતી, પરંતુ વરસાદ થંભી જતાં મોડી રાત્રે પુનઃ ભેજ અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ વધી ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે, જેના કારણે આગામી દિવસોમાં ડબલ ઋતુ અને ‘સેકન્ડ સમર’નો પ્રકોપ હજુ વધુ આકરો બને તેવી શક્યતા છે.
(ઉત્સવ વૈદ્ય)