Wed Jul 01 2026

Logo

રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરનાર પૂર્ણશ મોદી વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ

2026-02-16 14:11:00
Author: Mayur Patel
Article Image

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા છે. દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતવિચારણા દરમિયાન પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે મોદી સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ બદનક્ષીનો કેસ કર્યો હતો. 

પૂર્ણેશ મોદી કોણ છે

તેમનું પૂરું નામ પુર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર, 1965 ના રોજ થયો હતો. તેઓ બી.કોમ પાસ છે અને ત્યારબાદ તેમણે એલએલબીની ડિગ્રી મેળવી હતી. વર્તમાન સમયમાં તેઓ 167 - સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્ય છે.  તેમના પત્નીનું નામ બીનાબેન છે. તેઓ હાલ સુરતના અડાજણ વિસ્તારમાં  રહે છે.

રાજકીય કારકિર્દીની શરૂઆત

પૂર્ણેશ મોદીએ પોતાની રાજકીય સફર ભાજપના કાર્યકર તરીકે કરી હતી. જે બાદ કોર્પોરેટર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી હતી.

2000 થી 2005: સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને શાસક પક્ષના નેતા તરીકે સેવા આપી હતી. 
2009-12 અને 2013-16: સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સંભાળી હતી. 
2013 પેટાચૂંટણી: તત્કાલીન ધારાસભ્ય કિશોરભાઈ વાંકાવાલાના અવસાન બાદ ભાજપે તેમને ટિકિટ આપી અને તેઓ પ્રથમવાર પેટાચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા.
2017ની ચૂંટણી: ભાજપે ફરી વિશ્વાસ મૂક્યો અને પૂર્ણેશ મોદીએ 1,11,615 મતો મેળવી ભવ્ય વિજય મેળવ્યો. તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે માર્ગ અને મકાન, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો પણ સંભાળી ચૂક્યા છે.
2022ની ચૂંટણીઃ ભાજપે ફરી તેમને ટિકિટ આપી હતી. મોદીએ સુરત પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજય શાહને 1,04,312 મતથી હરાવ્યા હતા.

શું હતો રાહુલ ગાંધી સામેનો કેસ?

13 એપ્રિલ 2019ના રોજ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? લલિત મોદી, નીરવ મોદી અને નરેન્દ્ર મોદીના ઉદાહરણ આપીને તેમણે આ ટિપ્પણી કરી હતી. આ નિવેદનથી સમગ્ર મોદી સમાજનું અપમાન થયું હોવાનું જણાવી પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.