Tue Oct 06 2026

Logo

કિંજલ રબારીના વિવાદમાં ચૌધરીઓ-રબારીઓ વચ્ચે મારામારી, પોલીસને પણ લોકોના ટોળાએ ફટકારતાં PSI ચૌધરી ઘાયલ

2026-09-08 09:45:00
Author: Mayur Patel
કિંજલ રબારીના વિવાદમાં ચૌધરીઓ-રબારીઓ વચ્ચે મારામારી, પોલીસને પણ લોકોના ટોળાએ ફટકારતાં PSI ચૌધરી ઘાયલ

અમદાવાદઃ કિંજલ રબારીના વિવાદમાં ચૌધરી-રબારીઓ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસને પણ લોકોના ટોળાએ ફટકરાતાં PSI ઘાયલ થયા હતા. રાધનપુરના સિનાડ ગામે 60 લોકોના ટોળાએ ચૌધરી PSI પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

ગઈકાલે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી લોકો લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા. દરમિયાન દેસાઈ સમાજના લોકોએ ચૌધરી સમાજના લોકોને મંદિર તરફ દર્શન કરવા જતા કથિત રીતે રોક્યા હતા. અહીં હાજર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ શ્રદ્ધાળુઓને ન રોકવા અને દર્શન કરવા જવા દેવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેઓ ન માનતા તેમણે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.  ઘટના સ્થળે DySP, PI અને અન્ય પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર હતા. હુમલામાં PSI ચૌધરીને ઈજા પહોંચી હતી, જેથી તેને વધુ સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

DySPએ શું કહ્યું

રાધનપુરના ડીવાયએસપી કૃણાલસિંહ પરમારે કહ્યું, ટોળા દ્વારા PSI ચૌધરીને લોખંડની ખુરશી વડે માર મારવામાં આવ્યો હતો. ટોળ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી બે લોકોની ઓળખ થઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણા વડવાળા છાત્રાલય ખાતે રબારી સમાજે એક બેઠક યોજી હતી અને જેમાં બન્ને જ્ઞાતિ સામ-સામે ન આવી જાય તેવી ચર્ચા થઈ હતી. જોકે તેમ છતાં આ બનાવ બન્યો હતો.

શું છે મામલો

કિંજલ રવિવારે ચાંદખેડાથી એક કારમાં બેસી ગઈ હતી. પહેલા તેનાં અપહરણના સમાચાર વહેતા થયા હતા, પરંતુ પછીથી તેણે વીડિયો ક્લિપ જાહેર કરી પોતે મરજીથી પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું.