Tue Oct 06 2026

Logo

પુણેમાં ગણેશોત્સવ દરમિયાન દારૂબંધી પર વિવાદ: કોંગ્રેસે ભાજપ પર 'બહુમતીવાદી રાજકારણ'નો આરોપ લગાવ્યો

2026-09-11 21:29:00
Author: Mumbai Samachar Team
પુણેમાં ગણેશોત્સવ દરમિયાન દારૂબંધી પર વિવાદ: કોંગ્રેસે ભાજપ પર 'બહુમતીવાદી રાજકારણ'નો આરોપ લગાવ્યો

મુંબઈઃ પુણે જિલ્લામાં ૧૦ દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલી દારૂબંધીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પુણે જિલ્લામાં ૧૦ દિવસીય ગણપતિ ઉત્સવ દરમિયાન સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલી દારૂબંધી એ છેલ્લા ૧૨ વર્ષોમાં "બહુમતીવાદી રાજકારણ"માં થયેલા ક્રમશઃ વધારાનું પરિણામ છે, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સચિન સાવંતે શુક્રવારે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે ૨૦૧૪થી કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે અને સમાજમાં બહુમતીવાદનું વાતાવરણ ઊભું કરવા માટે સંઘ પરિવાર સાથે સંકળાયેલા સંગઠનો તથા પોતાના કાર્યકરો દ્વારા દબાણ ઊભું કર્યું છે. 

"સત્તા મેળવવા માટે કોઈપણ પગલાં લેવાં એ માત્ર લોકશાહી માટે જ નહીં, પરંતુ દેશની સામાજિક એકતા માટે પણ જોખમી છે. સરકારે નિર્ણય લેતી વખતે માત્ર બહુમતી સમુદાયની લાગણીઓને જ ધ્યાનમાં ન લેવી જોઈએ. તેણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવા નિર્ણયથી અન્ય નાગરિકો, ખાસ કરીને લઘુમતીઓની સ્વતંત્રતા, જીવનશૈલી કે અધિકારો પર કોઈ વિપરીત અસર ન પડે," એમ તેમણે કહ્યું. આ માત્ર રાજકીય જવાબદારી જ નહીં, પરંતુ બંધારણીય જવાબદારી પણ છે, એમ સાવંતે કહ્યું.

તેમણે આવી માનસિકનું વધુ એક ઉદાહરણ આપતા મીરા-ભાયંદરની એક શાળાની તાજેતરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં જૈન સમુદાયના 'પર્યુષણ' પર્વને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કંદમૂળ ધરાવતું ભોજન ન લાવવા માટે કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

"દરેકની ધાર્મિક માન્યતાઓનો આદર થવો જોઈએ, પરંતુ તે માન્યતાઓ અન્ય લોકો પર લાદવી ન જોઈએ," તેમણે કહ્યું. અગાઉ, બોમ્બે હાઈ કોર્ટે પણ ૧૦ દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન દારૂબંધીને લઈને પુણે વહીવટીતંત્રની આકરી ટીકા કરી હતી.