ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરો વચ્ચે અત્યારે બજારમાં જે રીતે પાણીની બોટલો, પ્લાસ્ટિક અને ગેસની અછતની વાતો ચાલી રહી છે અને લોકો આ તમામ વસ્તુઓનો ઘરમાં સ્ટોક કરી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા અને મીડિયામાં પેનિક બાઈંગ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. હવે આ પેનિક બાઈંગ શબ્દનો અર્થ શું છે અને એની પાછળ કયું મનોવિજ્ઞાન છુપાયેલું છે એ વિશે આપણે આ સ્ટોરીમાં વિસ્તારથી ચર્ચા કરીશું.
જ્યારે લોકો કોઈ અછત કે કટોકટીના ડરથી જરૂર કરતા વધુ સામાન એકઠો કરવા લાગે, ત્યારે તેને 'પેનિક બાઈંગ' કહેવાય છે. નિષ્ણાતોના મતે, જ્યારે પણ યુદ્ધ કે મહામારી જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે મનુષ્યનું મગજ 'સર્વાઈવલ મોડ'માં આવી જાય છે. જ્યારે બહારની દુનિયામાં પરિસ્થિતિ અસ્થિર હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે લોકોને એવું લાગવા લાગે છે કે પરિસ્થિતિ પર તેમનો કોઈ નિયંત્રણ નથી. આવી સ્થિતિમાં વધારાનો સામાન ખરીદીને તેને સ્ટોર કરીને રાખવાથી લોકોને એવો ભ્રમ થાય છે કે તેઓ પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છે અને હવે બધું નિયંત્રણ હેઠળ છે.
જ્યારે આપણે જોઈએ છીએ કે પાડોશી કે અન્ય લોકો દુકાને જઈને સામાન ભરી રહ્યા છે, ત્યારે આપણને લાગે છે કે જો આપણે નહીં ખરીદીએ તો આપણે બાકી રહી જઈશું. આ પ્રકારનું સામાજિક દબાણ જ લોકોને બિનજરૂરી ખરીદી કરવા મજબૂર કરે છે. ઘરમાં વધારાનું રાશન કે સામાન હોવાથી મનને શાંતિ મળે છે. ભલે તે વસ્તુની અત્યારે જરૂર ન હોય, પણ ભવિષ્યમાં કામ લાગશે એવી માનસિકતા જ પેનિક બાઈંગની જનની છે.

પેનિક બાઈંગના ગેરફાયદા વિશે વાત કરીએ તો આના અનેક ગેરફાયદા છે. જેમાંથી સૌથી પહેલો અને મહત્ત્વનો ગેરફાયદો એટલે આને કારણે કોઈ પણ ચીજ-વસ્તુની કૃત્રિમ અછત સર્જાય છે. હકીકતમાં તો બજારમાં સામાન હોય છે, પણ લોકો વધુ ખરીદે એટલે સ્ટોક ખાલી થઈ જાય છે. અચાનક માગણીમાં આવેલા ઉછાળાને કારણે વેપારીઓ કિંમતો વધારી દે છે. આ સિવાય પેનિક બાઈંગનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે જેમને ખરેખર જરૂર હોય એવા લોકોને ચીજ-વસ્તુઓ મળતી નથી.
એક્સપર્ટની સલાહ: કેવી રીતે બચવું?
માત્ર અઠવાડિયાનો સ્ટોક રાખો: મહિનાઓનો સામાન ભરવાને બદલે માત્ર એક અઠવાડિયાની જરૂરિયાત મુજબ ખરીદી કરો.
અફવાઓથી દૂર રહો: સોશિયલ મીડિયા પર આવતી "સ્ટોક ખતમ થઈ જશે" એવી ખબરોની ખરાઈ કરો.
શાંત રહો: યાદ રાખો કે પેનિક બાઈંગ કરવાથી જ માર્કેટમાં અછત સર્જાય છે.