મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ રવિવારે શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વારસાગત ઈમામ અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમા સાથે મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન પર્યાવરણ સુરક્ષા અને આજીવિકા વિકાસ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રિન્સ રહીમ આગા ખાને જણાવ્યું હતું કે એકેડીએન શહેરો માટે ક્લાઈમેટ એક્શન પ્લાન પર કામ કરી રહ્યું છે અને મહારાષ્ટ્રના શહેરો અને નગરોમાં ઠંડી આબોહવા માટેના ઉકેલો લાગુ કરી રહ્યું છે, જેનાથી સ્થાનિક લોકોને નોંધપાત્ર ફાયદો થયો છે.
તેમણે કહ્યું હતું કે એકેડીએન મહારાષ્ટ્રની યુનિવર્સિટીઓ સાથે પર્યાવરણ સુરક્ષા, ક્લાયમેટ સંબંધિત મુદ્દાઓ પર નજીકથી કામ કરવા માટે ઉત્સાહી છે. તેમણે રાજ્યપાલને જણાવ્યું કે એકેડીએન પહેલેથી જ પુણે, મીરા-ભાયંદર, ચંદ્રપુર અને અન્ય સ્થળોએ ક્લાઈમેટ એક્શન, ઉત્સર્જન ઘટાડવા અને કૂલિંગ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની પહેલ કરી રહ્યું છે.
તેમણે રાજ્યપાલ સાથે વસઈમાં તળાવો અને જળાશયોને પુનર્જીવિત કરવાના એકેડીએનના કાર્ય વિશે પણ વાત કરી હતી, જેણે ભૂગર્ભ જળ સ્તર સુધારવામાં મદદ કરી છે. તેમણે કહ્યું કે એકેડીએન વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગથી પ્રભાવિત લોકોને રાહત આપવા અને સમુદાયોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે રાજ્યપાલને એમ પણ જણાવ્યું કે એકેડીએનએ હજારો સ્થળોએ માઈક્રો-ફોરેસ્ટ પહેલ હાથ ધરી છે. તેમણે સૂચન કર્યું કે આવા જ પ્રયાસો મહારાષ્ટ્રની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કરી શકાય છે. તેમણે હૈદરાબાદમાં આવેલી આગા ખાન એકેડેમી તેમ જ સંગીત અને સાહિત્યના ક્ષેત્રમાં એકેડીએનની પહેલ વિશે પણ રાજ્યપાલને માહિતી આપી હતી.
રાજ્યપાલે એકેડીએન મહારાષ્ટ્રના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને આજીવિકા વિકાસમાં સહયોગની તકો પણ શોધે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષણ, પર્યાવરણ, ક્લાઈમેટ એક્શન અને આજીવિકા નિર્માણમાં ભાગીદારી રાજ્યના લોકો માટે અર્થપૂર્ણ અને કાયમી લાભોનું સર્જન કરી શકે છે.
આ બેઠક દરમિયાન, વર્માએ પ્રિન્સ રહીમ આગા ખાનને એક ખાસ ફોટો આલ્બમ ભેટમાં આપ્યું હતું, જેમાં તેમના સ્વર્ગસ્થ પિતા પ્રિન્સ કરીમ આગા ખાન ચોથાના વિવિધ પ્રસંગોએ મહારાષ્ટ્ર લોક ભવન, જે તે સમયે રાજભવન હતું, તેની મુલાકાતના ફોટોગ્રાફ્સ હતા.
તેમના સ્વર્ગસ્થ પિતાની તસવીરો અને યાદોથી ભાવુક થઈને પ્રિન્સ રહીમ આગા ખાને કહ્યું, "આ ખૂબ જ ભાવુક કરી દે તેવું છે. અદભૂત." ફેબ્રુઆરી 2025માં તેમના પિતા પ્રિન્સ કરીમ આગા ખાન ચોથાના નિધન બાદ ઈમામ બન્યા પછી પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી.
આગા ખાન પાંચમાએ દિવસ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે શનિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી.
10 સપ્ટેમ્બરના આધ્યાત્મિક નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓને મળીને ઈસ્માઇલી ઈમામત, એકેડીએન અને ભારત વચ્ચેની લાંબા સમયથી ચાલતી ભાગીદારી અંગે ચર્ચા કરી હતી.