અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના અધ્યક્ષસ્થાને ૭૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો.
આ સમારોહ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ પદવી તથા સુવર્ણચંદ્રક મેળવનારા તમામ વિદ્યાર્થીઓને, તેમના માતા-પિતા અને અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ખાસ કરીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારી દીકરીઓની નોંધપાત્ર સંખ્યાનો ઉલ્લેખ કરી તેને 'બદલતા ભારતની ઉજ્જવળ તસવીર' ગણાવી હતી અને દેશના સમતોલ વિકાસમાં મહિલા સશક્તિકરણની વ્યાપક ભૂમિકાને બિરદાવી હતી.
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ટેકનોલોજી એક સાધન છે અને તેનો પ્રાથમિક હેતુ માનવ કલ્યાણ તેમજ લોકોના જીવનને સરળ બનાવવાનો હોવો જોઈએ. ટેકનોલોજી આપણને ડેટા અને ઉત્તરો આપી શકે છે, પરંતુ સાચા પ્રશ્નો પૂછવા, વિવેકપૂર્ણ નિર્ણયો લેવા અને નૈતિક દિશા નક્કી કરવી એ માનવીય બુદ્ધિમત્તાનું કાર્ય છે. તેમણે યુવાનોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા બંધારણીય મૂલ્યોને પોતાના જીવન અને વ્યાવસાયિક કાર્યમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મએ વિદ્યાર્થીઓને જીવનમાં આવતી અડચણો અને નિષ્ફળતાઓ અંગે પ્રેરણા આપતા ઉમેર્યું હતું કે, નિષ્ફળતા એ અંત નથી પરંતુ ચિંતન કરીને વધુ મજબૂતીથી આગળ વધવાનો અવસર છે. વિકાસની આ દોડમાં જે લોકો પાછળ રહી ગયા છે, તેમને સાથે લઈને આગળ વધવું એ જ સાચી સફળતા અને શ્રેષ્ઠ માનવતા છે.