Sun Aug 23 2026

Logo

મધદરિયે લહેરાયો તિરંગો: પોરબંદરના યુવાનોએ દરિયાના મોજાંઓ વચ્ચે મનાવ્યો જશ્ન-એ-આઝાદી

2026-08-15 17:16:49
Author: Devayat Khatana
Article Image

પોરબંદર: આજે સમગ્ર દેશમાં 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દેશના ઘણા સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરમાં કરવામાં આવેલી ઉજવણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

સમગ્ર દેશ સહિત મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં પણ 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાનોએ દેશભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા, સવારની ઠંડી અને દરિયાના ઉછળતા મોજાંઓનો હિંમતભેર સામનો કરીને મધદરિયે તિરંગો ફરકાવ્યો હતો. છેલ્લા 25 વર્ષથી ચાલી આવતી આ સાહસિક પરંપરાને આગળ ધપાવતા, આ યુવાનોએ દરિયાના પાણીમાં જ ઊભા રહીને રાષ્ટ્રગીત ગાયું હતું અને રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના   અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે 80 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. આ દરમિયાન તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ‘વિરાસત થી વિકાસ’નો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. 80માં સ્વાતંત્ર્ય પર્વે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી દેશને આપેલા ‘સપ્તધારા’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.

આ દરમિયાન તેમણે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્યના રોડ નેટવર્કને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવા રૂ.3428  કરોડના ખર્ચે 210 કિમીના રસ્તાઓનું નવીનીકરણ કરવાની જાહેરાત કરી હતી. 

અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સુનિતા અગરવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી અર્પી હતી.  આ પ્રસંગે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ તથા ઉપસ્થિત વરિષ્ઠ મહાનુભવોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી નમન કર્યા હતા.

આ ઉપરાંત દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના પ્રભારી અને રાજ્યના ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને માંડલ ખાતે કરવામાં આવી હતી. માંડલ જિનિંગ મિલ કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઊર્જા પ્રધાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.