Mon Oct 05 2026

Logo

પીએમ આવ્યા પહેલાં પીએમઓના નકલી કાર્ડ, રિવોલ્વર સાથે બે પકડાતાં ચકચાર

2026-09-09 09:05:30
Author: Yogesh C. Patel
પીએમ આવ્યા પહેલાં પીએમઓના નકલી કાર્ડ, રિવોલ્વર સાથે બે પકડાતાં ચકચાર

સોમવારે બીકેસીના મૉલમાંથી પકડાયેલાઓમાં ખારનો ગુજરાતી પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં ફિનટેક ફેસ્ટનું મંગળવારે સાંજે ઉદ્ઘાટન કર્યું તેની પૂર્વસંધ્યાએ સોમવારે જ નજીકના મૉલમાં પીએમઓ (પ્રાઈમ મિનિસ્ટર ઑફિસ)નું નકલી આઈ-કાર્ડ અને રિવોલ્વર સાથે પ્રવેશેલા ગુજરાતી સહિત ત્રણ જણને કારણે ભારે ચકચાર મચી હતી.
રક્ષાવ્યવસ્થાને લઈ સવાલ થતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ખારમાં રહેતા ગુજરાતી સહિત બેની ધરપકડ કરી હતી. જોકે આ ઘટનાને વડા પ્રધાનની મુંબઈ મુલાકાત સાથે કશી લેવાદેવા ન હોવાનો દાવો બાદમાં પોલીસે કર્યો હતો.

ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે (સીઆઈયુ) ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ રોહન પ્રેમલ પરીખ (24) અને દિલીપ રાજારામ કુંદે (49) તરીકે થઈ હતી.
ગળવારે કોર્ટે બન્ને આરોપીને 11 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીઓના એક મિત્ર ગણેશ બાગુલ (26)ની પોલીસ શોધ ચલાવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ રોહન, દિલીપ અને ગણેશ સોમવારની સાંજે 4.50 વાગ્યાની આસપાસ બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ પ્લાઝામાં ગયા હતા. સિક્યોરિટી ચેકિંગ વખતે દિલીપ પાસે રિવોલ્વર હોવાનું ધ્યાનમાં આવતાં સિક્યોરિટી ગાર્ડ સની સિંહે ત્રણેયને મૉલમાં જતા રોક્યા હતા.

ઘાતક શસ્ત્ર સાથે મૉલમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાનું સિક્યોરિટી ગાર્ડે કહ્યું હતું. ગાર્ડ પર પ્રભાવ પાડવા રોહને તેની પાસેનું વડા પ્રધાન કચેરીનું ઓળખપત્ર દેખાડ્યું હતું. પીએમઓના અધિકારી હોવાનું માનીને સિક્યોરિટી ગાર્ડે આઈ કાર્ડ જોઈને ત્રણેયને મૉલમાં પ્રવેશવા દીધા હતા. જોકે આ વાતની જાણ તેણે ઉપરીઓને કરી હતી. શંકાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

રિવોલ્વર અને પીએમઓનું ઓળખપત્ર દેખાડી ત્રણ શકમંદ મૉલમાં પ્રવેશ્યાની માહિતી મળતાં બીકેસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય શકમંદ મૉલમાંથી પાછા જતા રહ્યા હોવાથી પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં ત્રણેય જણ જે કારમાં આવ્યા હતા તે નજરે પડી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે કારના રજિસ્ટ્રેશન નંબરની તપાસમાં પોલીસની ટીમ ખાર પશ્ર્ચિમમાં 12મા રોડ પરની બિલ્ડિંગમાં રહેતા રોહન પરીખ સુધી પહોંચી હતી. તેની પાસેથી પીએમઓનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. કાર્ડ અંગે સવાલ પૂછવામાં આવતાં પોલીસને સમાધાનકારક જવાબ મળ્યા નહોતા.

વડા પ્રધાન કચેરીના આઈ-કાર્ડમાં એ કાર્ડ આપનારા અધિકારીના હસ્તાક્ષર હતા, પરંતુ તેના પદનો ઉલ્લેખ નહોતો. વળી, કાર્ડ આપવામાં આવ્યું તે તારીખ હતી, પણ તેની વેલિડિટીની નોંધ નહોતી. પરિણામે કાર્ડ ડુપ્લિકેટ હોવાની ખાતરી થતાં રોહનને તાબામાં લેવાયો હતો. પીએમઓ સંબંધી પ્રકરણ હોવાથી તેને ગંભીરતાથી લઈ તપાસ ક્રાઈમ બ્રાન્ચની સીઆઈયુને સોંપાઈ હતી.

મૉલમાં રિવોલ્વર સાથે આવેલા શખસ વિશે રોહનને પૂછવામાં આવતાં તે નાશિક ગ્રામીણના બાલકવડે વિસ્તારમાં લહાવિત ભાગુર માર્ગ ખાતે રહેતો દિલીપ કુંદે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમ તાત્કાલિક નાશિક ગઈ હતી અને દિલીપને પકડી પાડ્યો હતો. તેની પાસેથી રિવોલ્વર અને છ કારતૂસ હસ્તગત કરાઈ હતી.

વડા પ્રધાન મોદી મંગળવારે બીકેસીમાં ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. તેની પૂર્વસંધ્યાએ રિવોલ્વર અને પીએમઓ ઓળખપત્રનું મામલો સામે આવતાં સિક્યોરિટીને મુદ્દે ચકચાર ફેલાઈ હતી. 

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજ તિલક રોશને જણાવ્યું હતું કે આ ઘટના અને વડા પ્રધાનની મુંબઈ મુલાકાતને કોઈ સંબંધ નથી.
રોપી પાસેથી મળી આવેલી રિવોલ્વરનું લાઈસન્સ છે, પરંતુ તે નાશિક ગ્રામીણનું છે. મુંબઈના મૉલમાં પ્રતિબંધ છતાં રિવોલ્વર સાથે પ્રવેશવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન આરોપી પાસે પીએમઓનું ઓળખપત્ર ક્યાંથી આવ્યું અને તે બનાવવા પાછળનો હેતુ શો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે.

આરોપી રોહનના વકીલ સતીશ માનેશિંદેનું કહેવું છે કે રોહન સ્ટુડન્ટ છે અને હાલમાં જ તે લંડનથી આવ્યો છે. તે માત્ર મૉલમાં ગયો હતો, વડા પ્રધાનના કાર્યક્રમ સાથે તેની કોઈ કડી નથી.