Mon Oct 05 2026

Logo

શ્રેષ્ઠ ક્ષમતાથી રમજો અને ઝળકી જજો: ભારતીય ઍથ્લીટોને મોદીની શુભેચ્છા

2026-09-19 20:24:00
Author: Ajay Motiwala
શ્રેષ્ઠ ક્ષમતાથી રમજો અને ઝળકી જજો: ભારતીય ઍથ્લીટોને મોદીની શુભેચ્છા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લેવા જાપાન ગયેલા તેમ જ હવે જનારા ઍથ્લીટો-ખેલાડીઓને સોશ્યલ મીડિયા મારફત શ્રેષ્ઠ શુભેચ્છા પાઠવી છે અને પોસ્ટમાં જણાવ્યું હતું કે આપણા ઍથ્લીટો તનતોડ મહેનતથી અને નિષ્ઠાપૂર્વક પોતાની રમતની હરીફાઈમાં ભાગ લઈને દેશને ગૌરવ અપાવી રહ્યા છે.

ભારતે એશિયન ગેમ્સમાં 501 ઍથ્લીટ-ખેલાડી મોકલ્યા છે. મોદી (Modi)એ `એક્સ' પરની પોસ્ટમાં જણાવ્યું, `જાપાનના આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સ શરૂ થઈ રહી છે જેમાં ભાગ લઈ રહેલા સમગ્ર ભારતીય સંઘને હું શ્રેષ્ઠ શુભેચ્છા પાઠવું છું. પ્રત્યેક ઍથ્લીટે આ રમતોત્સવ માટે પ્રૅક્ટિસમાં ભારે મહેનત કરી છે તેમ જ જબરદસ્ત સંકલ્પશક્તિ બતાવી છે. ભારતને તેઓ પર ખૂબ ગર્વ છે. ઍથ્લીટો-ખેલાડીઓને એટલું જ કહેવું છે કે તમે શ્રેષ્ઠ ક્ષમતાથી રમજો અને ઝળકી જજો.'

20મી એશિયન ગેમ્સ (Asian Games)ની ક્રિકેટ, બાસ્કેટબૉલ, ફૂટબૉલ સહિત અમુક રમતોની હરીફાઈઓ થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. જોકે શનિવારે ઓપનિંગ સેરેમની સાથે રમતોત્સવનો સત્તાવાર આરંભ થયો હતો. આ રમતોત્સવ ચોથી ઑક્ટોબર સુધી રમાશે.

આવતા 15 દિવસમાં 45 દેશના કુલ 11,000થી પણ વધુ ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 43 રમતમાં કુલ 469 ગોલ્ડ મેડલ આપવામાં આવશે.