Fri May 22 2026

Logo

પીએમ મોદી-મેલોની અને મેલોડી વિડીયો બાદ શેરબજારમા ભળતા નામની કંપનીના શેરોની ભારે ખરીદી

2026-05-20 17:34:33
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : પીએમ મોદીએ ઈટલી મુલાકાત દરમિયાન જ્યોર્જિયા  મેલોની સાથે એક સેલ્ફી પડાવી હતી અને મેલોડી ટોફી ગિફટમાં આપી હતી. પીએમ મોદીએ મેલોનીને મેલોડી ગિફ્ટ કરતા સોશિયલ મીડિયા પર ટોફી ટ્રેડિંગમાં આવી છે. તેમજ આ અંગેના એક વિડીયો પણ વાઇરલ થયો હતો. જેની બાદ શેરબજારમાં પણ આ કંપનીના નામની ભળતી કંપનીના શેરમાં મોટી ખરીદી જોવા મળી હતી. 

પારલે ઇન્ડસ્ટ્રીઝના શેરની ખરીદીમાં વધારો 

આ વીડિયો વાઇરલ થયા બાદ  ઘણા રોકાણકારોએ 'પારલે' નામ જોઈને ઉતાવળે શેર ખરીદવાનું શરૂ કર્યું હતું. જેમાં  પારલે ઇન્ડસ્ટ્રીઝને આનો ફાયદો થયો  કારણ કે તેના શેરની ખરીદીમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. બુધવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન કંપનીના શેરનો ભાવ ₹5.25 પર પહોંચી ગયો. જે 5 ટકાની ઉપલી સર્કિટ મર્યાદાને સ્પર્શી ગયો હતો. 

 પારલે પ્રોડક્ટ્સ શેરબજારમાં લિસ્ટેડ નથી

આ અંગે મળતી માહિતી મુજબ  મેલોડી ટોફી બનાવતી કંપની પારલે પ્રોડક્ટ્સ છે. જે બિસ્કિટ પારલે-જી, મોનાકો, હાઇડ એન્ડ સીક અને મેંગો બાઇટ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ બનાવે છે. તેમજ પારલે પ્રોડક્ટ્સ શેરબજારમાં લિસ્ટેડ નથી. જ્યારે  પારલે ઇન્ડસ્ટ્રીઝ  જે કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. તેનો ટોફી કે બિસ્કિટના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી. ફક્ત નામોમાં સમાનતાને કારણે રોકાણકારોએ આ કંપનીના શેર ખરીદ્યા જેના કારણે શેરના ભાવ  અચાનક વધી ગયા હતા. 

પારલે ઇન્ડસ્ટ્રીઝ રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી 

પારલે ઇન્ડસ્ટ્રીઝ મુખ્યત્વે રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાગળના કચરાના રિસાયક્લિંગના વ્યવસાયોમાં કાર્યરત છે. જ્યારે તે ખરેખર અગાઉ પારલે-બિસ્લેરી ગ્રુપ સાથે સંકળાયેલું હતું, પરંતુ હવે તે ગ્રુપ સાથે કોઈ માલિકી સંબંધો ધરાવતું નથી.