Mon Jun 01 2026

Logo

આઈસીસીનો મોટો નિર્ણય: હવે ટેસ્ટ મેચમાં પિંક બોલનો ઉપયોગ થઈ શકશે પણ આ કારણસર...

2026-06-01 21:06:22
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફારમાં ચાલુ ટેસ્ટ મેચમાં લાલ બોલને બદલે પિંક બોલનો ઉપયોગ સામેલ છે. જો કે, આ માટે બંને કેપ્ટનની મંજૂરી જરૂરી છે. 

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ખરાબ પ્રકાશને કારણે બગાડતા સમયને ઘટાડવા માટે આ પગલું ભર્યું છે. ક્રિકેટ કેનેડાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં આઈસીસી બોર્ડની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આઈસીસી હવે પરંપરાગત ટેસ્ટ મેચોમાં પિંક બોલનો ઉપયોગ કરવાની ભલામણને મંજૂરી આપી છે. જો કોઈ મેચ નબળી પ્રકાશને કારણે અટકી જાય છે તો પિંક બોલનો ઉપયોગ કરી શકાય છે, જો કે આ માટે બંન્ને કેપ્ટનની મંજૂરી જરૂરી છે. જેથી ઓછા પ્રકાશને કારણે ગુમાવવામાં આવતા સમયને ઘટાડી શકાય. જો કે, આ ફક્ત ત્યારે જ શક્ય બનશે જો બંને બોર્ડ ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં તેના માટે સંમત થાય.

આ નિયમ ફક્ત તે મેદાનો પર લાગુ થશે જ્યાં ફ્લડલાઇટ પહેલાથી છે. આ દરખાસ્ત ફક્ત પરંપરાગત ટેસ્ટ મેચો માટે જ લાગુ પડે છે. ડે-નાઈટ મેચ પહેલાની જેમ પિંક બોલથી રમાડવામાં આવશે. આઈસીસીએ એમસીસી સાથે મળીને લાઇટિંગ ટેકનોલોજી પર સંશોધન માટે ભંડોળ પૂરું પાડવાની યોજનાની પણ પુષ્ટી કરી છે જેથી ઓછા પ્રકાશને કારણે થતા વિક્ષેપોને ઘટાડી શકાય.

અત્યાર સુધી ટી-20 લીગમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોચને ફક્ત મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, આઈસીસીએ રમતની પરિસ્થિતિઓમાં સુધારો કર્યો છે અને વન-ડે અને ટી-20માં ડ્રિંક્સ બ્રેક દરમિયાન મુખ્ય કોચ અથવા પસંદ કરેલા સ્ટાફને મેદાનમાં જવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. 

અગાઉ, ફક્ત ડ્રિંક્સ આપવા જતા ખેલાડીઓ જ ડ્રેસિંગ રૂમમાંથી મેસેજ મોકલી શકતા હતા. ટી-20માં હવે ઇનિંગ્સ વચ્ચે 15 મિનિટનો વિરામ રહેશે અને રમત ફરી શરૂ થાય ત્યારે બેટ્સમેનોએ તૈયાર રહેવું પડશે. આ નિર્ણય મેચ ઝડપથી પૂર્ણ કરવામાં મદદ કરશે.