અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ સૌથી મોટો નિર્ણય લીધો છે, જેમાં અનેક વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલા કેનેડા ક્રિકેટ બોર્ડ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય અમદાવાદમાં યોજાયેલી આઈસીસીની બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ખેલાડીઓ પર કોઈ અસર થશે નહીં
આ અંગે આઈસીસીએ જાહેરાત કરી હતી કે કેનેડા બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જો કે આની ખેલાડીઓ પર કોઈ અસર થશે નહીં તેઓ પહેલાની જેમ આઈસીસી ટુર્નામેન્ટમાં સામેલ થઇ શકશે. આ નિર્ણય વહીવટી સ્તરે લેવામાં આવ્યો હતો.તેથી ખેલાડીઓને ભંડોળ મળતું રહે અને નાણાકીય રીતે અસર ન થાય તેની ખાતરી કરવા માટે એક નિયંત્રિત પદ્ધતિ સ્થાપિત કરવામાં આવશે.
આઈસીસી એ કેનેડા ક્રિકેટ બોર્ડની પુનઃસ્થાપના માટે કેટલીક શરતો મૂકી છે. જેનો હેતુ વહીવટી ખામીઓને સુધારવાનો છે. આઈસીસી આ સંદર્ભમાં કાર્ય થઈ રહ્યું છે કે કેમ તેનું નિરીક્ષણ કરવા માટે એક સમિતિની રચના કરશે.
ટેસ્ટ મેચ માટે ગુલાબી બોલને મંજૂરી
આ ઉપરાંત અમદાવાદમાં યોજાયેલી બોર્ડની બેઠક દરમિયાન ઘણા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઓછી લાઇટના લીધે ટેસ્ટ મેચો સમય પહેલા પૂર્ણ કરવી એ એક સામાન્ય ઘટના છે. આ સંદર્ભમાં આઈસીસી એ ગુલાબી બોલના ઉપયોગની બે ટીમો સંમત થાય તો ભલામણને મંજૂરી આપી છે. જેના લીધે જ્યારે પણ લાઇટ ઓછી હોય ત્યારે આગામી ટેસ્ટ મેચ દરમિયાન ગુલાબી બોલ રમતમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત પુરુષોના T20 વર્લ્ડ કપ માટે વૈશ્વિક ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ફ્રેન્ચાઇઝ ક્રિકેટના વિસ્તરણ અંગે ચિંતા વ્યક્ત કરી
આઇસીસી બોર્ડ મિટિંગમાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટના વિસ્તરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આઈસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગના સમયપત્રક વચ્ચે સંતુલનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરશે.