વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા અને નવો પાસપોર્ટ કઢાવવા કે રિન્યૂ કરાવવા માંગતા નાગરિકો માટે વિદેશ મંત્રાલય દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે સત્તાવાર ગેઝેટમાં 'પાસપોર્ટ સુધારા નિયમ, 2026' પ્રકાશિત કરીને તેને દેશભરમાં અમલી બનાવી દીધા છે. આ નવા સંશોધિત નિયમો હેઠળ સામાન્ય, તત્કાલ, જમ્બો બુકલેટ તેમજ ડેમેજ/લોસ્ટ કેટેગરી સહિતના પાસપોર્ટની ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સગીર બાળકોના પાસપોર્ટની સમયમર્યાદા અંગે પણ મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.
બાળકોના પાસપોર્ટની વેલિડિટીમાં મોટો ફેરફાર:
પાંચ વર્ષ કે પછી 18 વર્ષની ઉંમર: 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇશ્યૂ થનારા 36 પેજના સામાન્ય પાસપોર્ટની માન્યતા હવે પાસપોર્ટ જારી થયાની તારીખથી ૫ વર્ષ અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જ રહેશે.
જે વહેલું પૂર્ણ થાય તે માન્ય: જો પાંચ વર્ષની મુદત પૂરી થવા પહેલાં જ બાળક 18 વર્ષ પૂર્ણ કરી લેશે, તો તેનો સગીર તરીકેનો પાસપોર્ટ આપોઆપ એક્સપાયર થયેલો ગણાશે.
સામાન્ય અને તત્કાલ પાસપોર્ટના નવા ફી દર:
પુખ્ત વયના લોકો માટે:
36 પેજનો સ્ટાન્ડર્ડ પાસપોર્ટ: આ અગાઉ રૂપિયા 1500 ચૂકવવા પડતાં હતા તેને બદલે હવે રૂપિયા 2500 ચૂકવવા પડશે.
60 પેજનો જમ્બો પાસપોર્ટ: આ અગાઉ આ પાસપોર્ટ માટે રૂપિયા 2000ની ફી ચૂકવવી પડતી હતી તેના બદલે હવે રૂપિયા 3500ની ફી ચૂકવવી લાગશે.
તત્કાલ સેવા:
36 પેજનો તત્કાલ પાસપોર્ટ: અગાઉ રૂપિયા 3500ના બદલે હવે રૂપિયા 5000 થઈ ગઈ છે.
૬૦ પેજનો તત્કાલ પાસપોર્ટ: અગાઉ રૂપિયા 4000ના બદલે હવે રૂપિયા 6000 ભરવા પડશે.
પાસપોર્ટ ખોવાઈ કે ખરાબ થવાના કિસ્સામાં:
60 પેજનો પાસપોર્ટ ખોવાઈ જાય કે ખરાબ થઈ જાય તો આવા કિસ્સામાં અને તત્કાલ હેઠળ રિપ્લેસ કરાવવો હોય, તો પહેલાં ચૂકવવા પડતા રૂપિયા 5,500ની સામે હવે સીધા રૂપિયા 8,500 ભરવા પડશે.
બાળકો માટે ફી અને 10 ટકા ડિસ્કાઉન્ટના નિયમો:
36 પેજના નવા કે રિ-ઇશ્યૂ સામાન્ય પાસપોર્ટની ફી રૂપિયા 1000થી વધારીને રૂપિયા 1750 કરવામાં આવી છે, જ્યારે આ કેટેગરીમાં તત્કાલ સેવા માટે રૂપિયા 3000ની ફી ચૂકવવી પડી શકે છે. આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને નવા પાસપોર્ટની અરજી પર મળતી 10 ટકાની છૂટછાટ યથાવત રાખવામાં આવી છે. જોકે આ છૂટ રિ-ઇશ્યૂ (Re-issue)ના કેસમાં લાગુ પડશે નહીં.