Tue Oct 06 2026

Logo

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પાકિસ્તાન શેરબજાર ઓલ ટાઇમ હાઇ

islamabad   2026-04-08 17:40:00
Author: Chandrakant Kanoja
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પાકિસ્તાન શેરબજાર ઓલ ટાઇમ હાઇ

PSX


ઇસ્લામાબાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ અનેક દેશોના શેરબજારોમાં જબરજસ્ત તેજી જોવા મળી છે.  આ દરમિયાન પાકિસ્તાની શેરબજારમાં આજે  સૌથી  મોટો 12,000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત આજે ભારતીય શેરબજાર અને એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. જોકે, સૌથી વધુ ઉછાળો પાકિસ્તાન શેરબજારમાં નોંધાયો હતો. 

KSE-100 ઇન્ડેક્સમાં 8.15 ટકાનો વધારો 

જેમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો KSE-100 ઇન્ડેક્સ 12,362.38 પોઈન્ટ વધીને સવારે 9:37 વાગ્યે 164,035.83 પર પહોંચ્યો. આ ઉછાળા બાદ એક્સચેન્જના નિયમો અનુસાર ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ આ તેજી KSE-100 ઇન્ડેક્સના ઇતિહાસમાં પ્રથમવાર નોંધાઈ છે. મીડિયા  અહેવાલ મુજબ, ઇન્ટ્રાડે વધઘટને કારણે 7 એપ્રિલના રોજ KSE-100 ઇન્ડેક્સ 465.64 પોઈન્ટ વધીને બંધ થયો હતો. જોકે, આજે પાકિસ્તાની શેરબજારમાં  સૌથી મોટી તેજી જોવા મળી હતી. 

નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના અહેવાલોને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયા બાદ  પાકિસ્તાનના KSE-100માં આજે 12,000 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ  બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 13 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ કુદરતી ગેસના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો.

અલી ખામેનીના મૃત્યુ પછી  KSE-100 માં 16,089 પોઈન્ટનો ઘટાડો થયો હતો 

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાનની યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાન  શેરબજારને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ  2 માર્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી  KSE-100 માં 16,089 પોઈન્ટ એટલે કે  9.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો.