Sat Aug 22 2026

Logo

પાકિસ્તાની ક્રિકેટરો ઝામ્બિયાના પાટનગરમાં પહોંચ્યા પણ રમ્યા નહીં, જાણો શા માટે...

karachi   2026-08-05 16:00:55
Author: Ajay Motiwala
Article Image

કરાચીઃ ખેલજગતમાં પાકિસ્તાનની નામોશીના નવા-નવા કિસ્સા બહાર આવી રહ્યા છે. કૉમનવેલ્થ ગેમ્સમાં માંડ એક બ્રૉન્ઝ મેડલ જીતીને પાકિસ્તાનના ઍથ્લીટોનો સંઘ પાછો આવ્યો એના પાછલા દિવસે સંઘને ખબર પડી હતી તેમની ટૂકડીનો બૉક્સર પાસપોર્ટ અને રિટર્ન-ટિકિટ ટીમના મૅનેજર પાસે જ છોડીને સ્કૉટલૅન્ડમાં ક્યાંક ગાયબ થઈ ગયો છે. આ તો થઈ કૉમનવેલ્થની વાત. બુધવારે ખબર પડી છે કે ઝામ્બિયામાં પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું.

આફ્રિકા ખંડના ઝામ્બિયા (ZAMBIA) દેશમાં ક્રિકેટ હજી ઊભરી રહી છે ત્યારે ત્યાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવાદના વમળમાં ફસાઈ છે. એશિયન લેજન્ડ્સ લીગ નામની આ ટૂર્નામેન્ટને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને મંજૂરી જ નથી મળી અને પાકિસ્તાનના મોહમ્મદ હાફીઝ, સોહેલ તનવીર, ઉમર અકમલ વગેરે ખેલાડીઓ આ લીગમાં રમવા સહમત થયા, પરંતુ પાટનગર લુસાકા (LUSAKA)માં આવ્યા બાદ તેઓ મેદાન પર રમવા નથી ઊતર્યા.

આઇસીસીની પરમિશન આ ટૂર્નામેન્ટને ન મળી હોવાનું જણાતા આ ખેલાડીઓએ રમવાનું ટાળ્યું હતું, પરંતુ પાકિસ્તાનના જ અન્ય કેટલાક ખેલાડીઓએ ભાગ લીધો છે એટલે તેમના રમવા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) લગભગ બે વર્ષનો પ્રતિબંધ મૂકશે એવી સંભાવના છે. ખુદ ઝામ્બિયામાં ક્રિકેટનું સંચાલન કરનાર ઝામ્બિયા ક્રિકેટ યુનિયને જ ગયા અઠવાડિયે જાહેર કર્યું હતું કે `અમે હજી સુધી આ એશિયન લીગ માટે પરવાનગી નથી આપી.' એમ છતાં પાકિસ્તાનના ખેલાડીઓ લુસાકા પહોંચી ગયા હતા. પરિણામે, પીસીબી આ ખેલાડીઓ પર ગુસ્સે થયું છે.

ટૂર્નામેન્ટ 30મી જુલાઈએ શરૂ થઈ ચૂકી છે. એમાં ઇન્ડિયન રૉયલ્સ, શ્રીલંકા લાયન્સ, બાંગ્લાદેશ ટાઇગર્સ, અફઘાનિસ્તાન પઠાન્સ અને એશિયન સ્ટાર્સનો સમાવેશ છે. જોકે આ બધા વચ્ચે પાકિસ્તાન પૅન્થર્સ ટીમ આંખે ચડી ગઈ છે. એ ટીમમાં કામરાન અકમલ, શોએબ મલિક, સઇદ અજમલ, યાસિર શાહ વગેરે ખેલાડીઓ પણ સામેલ છે. આ પાકિસ્તાની ટીમના મોટા ભાગના ખેલાડીઓ ઝામ્બિયાની બિનસત્તાવાર ટૂર્નામેન્ટની બે મૅચમાં રમી ચૂક્યા છે.