Mon Oct 05 2026

Logo

ફોકસ પ્લસ: દૂરના ટાપુથી આવેલું પાન છે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ

2026-09-20 10:01:18
Author: Sahid A Chaudhary
ફોકસ પ્લસ: દૂરના ટાપુથી આવેલું પાન છે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ

શાહિદ એ ચૌધરી

જ્યારે હનુમાનજી ભગવાન રામના સંદેશ સાથે લંકાના અશોક વાટિકા પહોંચ્યા ત્યારે સંદેશ મેળવીને માતા સીતા ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં અને આ બદલ તેમણે હનુમાનજીને કોઈ ભેટ આપવા માગતાં હતાં, પરંતુ આસપાસ કોઈ ફૂલ મળ્યું નહીં. એટલા માટે તેમણે આંકડાના પાનના છોડમાંથી તાજાં પાન તોડીને તેનો હાર બનાવીને હનુમાનજીના ગળામાં પહેરાવ્યો હતો. શુદ્ધ પ્રેમનું આ પ્રતીક સીધું માતા સીતા પાસેથી આવ્યું હોવાથી આ પાન હનુમાનજીને ખૂબ જ પ્રિય બન્યાં, કારણ કે તે તેમની માતા પાસેથી આવ્યાં હતાં. 

તેથી જ્યારે પૂજા દરમિયાન હનુમાનજીને આંકડાના પાનનો હાર પહેરાવવામાં આવે છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ કે તે તેમને માતા સીતાની યાદ અપાવે છે અને ભક્તને શાંતિ અને સારુંં સ્વાસ્થ્ય આપવા ઉપરાંત, અવરોધો પણ દૂર કરે છે.

પાન, જેને ઐતિહાસિક રીતે તંબુલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉલ્લેખ પ્રાચીન સંસ્કૃત અને તમિળ સાહિત્યમાં અને પાંચમી સદીમાં કાલિદાસનાં લખાણોમાં જોવા મળે છે. ચરક સંહિતા જેવા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પાનની પ્રશંસા કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે પાચનમાં મદદ કરે છે, શ્વાસને તાજગી આપે છે અને શરીરના દોષોને સંતુલિત કરે છે. કામસૂત્રમાં જણાવાયું છે કે પાન ચાવવાથી રોમાંસ વધે છે. 
આ પૃષ્ઠભૂમિમાં પાન ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ બનવું સ્વાભાવિક હતું, જ્યાં સુધી પ્રાચીન અને મધ્યયુગીન હિન્દુ રાજ્યો (જેમ કે ક્નનૌજ)માં, રાજા પાસેથી પાન લેવું એ શાહી સન્માન માનવામાં આવતું હતું. સ્વાગત અને વિદાય દરમિયાન વપરાતા પાનની સંખ્યા દ્વારા સ્થિતિ દર્શાવવામાં આવતી હતી - રાજા માટે 32 પાન, રાજકુમાર માટે 24, વિદ્વાન વ્યક્તિ માટે 12 અને સામાન્ય વ્યક્તિ માટે ચાર. ઔપચારિક સમારંભોમાં યજમાન બંને હાથે પાન અર્પણ કરતો હતો અને બીજાઓની સામે પાન ખાવું અથવા તેને અર્પણ કરવાનો ઇનકાર કરવો તે અભદ્ર માનવામાં આવતું હતું. 

હરીફ પાસેથી પાન સ્વીકારવાની ફરજ પાડવામાં આવવી એ અપમાનજનક માનવામાં આવતું હતું. જાતિ પર પણ આ જ તર્ક લાગુ પડે છે: નીચલી જાતિના વ્યક્તિ પાસેથી પાન સ્વીકારવું એ ઉચ્ચ જાતિના વ્યક્તિને પ્રદૂષિત માનવામાં આવતું હતું. મહિલા દ્ધારા પુરુષને પાન આપવું તેને આમંત્રણ ગણાતું  હતું.

મુઘલ કાળ દરમિયાન પાનનો વપરાશ લલિત કલાના સ્તરે પહોંચ્યો. ચાંદી અને સોનાના પાનદાન કુલીન જીવનનો એક આવશ્યક ભાગ બની ગયા. થોમસ રો જેવા યુરોપિયન પ્રવાસીઓએ લખ્યું હતું કે સમ્રાટ જહાંગીરના પોતાના પાનદાન પાસેથી પાન મેળવવું એ અપાર રાજદ્વારી સન્માનનું પ્રતીક હતું. દિલ્હી અને લખનઉમાં નવાબી યુગ દરમિયાન પાન શેર-ઓ-શાયરી (બોક્સ જુઓ), સંગીત અને ગણિકાઓની સંસ્કૃતિનો એક ભાગ બની ગયું - `પાન ખાયે સૈયા હમારો, સાંવલી સુરતિયા, હોઠ લાલ લાલ, હાય, હાય, મલમલ કા કુર્તા, મલમલ કે કૂર્તે પે છિંટ લાલ લાલ.'

બ્રિટિશ કાળ દરમિયાન, પાનનો ભદ્ર સાંસ્કૃતિક દરજ્જો ઘટવા લાગ્યો. બ્રિટિશ વહીવટી અને સેનિટરી દૃષ્ટિકોણ પાનને `ગંદા સ્વદેશી રિવાજ' તરીકે જોતા હતા. છાલ અને તમાકુ ધરાવતાં પાન ખાવાની આદત મોં અને ગળાના કૅન્સર સાથે જોડાયેલી હતી, પરંતુ આ `કોલોનિયલ કલંક' હોવા છતાં પાનનો વપરાશ રોજિંદા સ્ટ્રીટ ફૂડ તરીકે (તમને દેશના લગભગ દરેક શહેરમાં પાનની દુકાન મળશે), ભોજન પછીની પાચન વાનગી તરીકે અને લગ્ન, તહેવારો અને ઉજવણીઓમાં મહેમાનોનું મનોરંજન કરવાના માર્ગ તરીકે ચાલુ રહ્યો. 

જ્યારે અગાઉ ફક્ત ત્રણ પ્રકારનાં પાન ખાવામાં આવતાં હતાં: મીઠા પાન (ગુલકંદ, તલ, નાળિયેર વગેરે સાથે), સાદા પાન (માત્ર કાથો, ચૂનો અને સોપારી) અને જુર્દા પાન (તમાકુ સાથે) તો હવે ચૅકલેટ, ફ્રૂટ ફ્લેવર અને અગ્નિ પાન પણ ઉપલબ્ધ બન્યાં છે.

પશ્ચિમ બંગાળ વગેરેમાં આવાં પાન વેચાય છે જે અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે જાતીય શક્તિમાં વધારો કરે છે. સુહાગરાતના દિવસે તેને ખાવાનું ચલણ છે. જેની કિમત પ્રતિ પાન 5,000 રૂપિયા કે તેથી વધુ છે. 

રસપ્રદ વાત એ છે કે પાન ભારતીય છોડ નથી. તે ઇન્ડોનેશિયન ટાપુઓ અને મલય દ્વીપકલ્પથી વેપારી જહાજો દ્વારા ભારતમાં આવ્યું હતું. કર્ણાટકના બેલુરમાં આવેલ ચેન્નાકેશવ મંદિર (12મી સદીમાં હોયસાલા રાજવંશ દ્વારા બંધાયેલું) તેની બાહ્ય દીવાલો પર એક મહિલાને પાન પકડીને દર્શાવે છે, જે દર્શાવે છે કે ભારતમાં પાનને કેટલી ઝડપથી સ્વીકૃતિ મળી અને હવે કોઈ પણ હિન્દુ સમારંભ તેના વિના પૂર્ણ થતો નથી.

પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિ પરનાં લગભગ 50 પુસ્તકોના લેખક દેવદત્ત પટનાયકે લખ્યું છે કે વૈદિક સાહિત્ય, રામાયણ કે મહાભારતમાં ક્યાંય પણ પાનનો કોઈ ઉલ્લેખ નથી, કારણ કે તે સંસ્કૃતનો ભાગ નહોતાં. તેમના મતે પાન સંસ્કૃત ગ્રંથોમાંથી આવ્યા અગાઉ પૂર્વી અને દક્ષિણ ભારતમાં લોકપ્રિય હતાં.

તમિલ સંગમ કવિતા સોપારીના પાનથી પરિચિત 2,000 વર્ષ જૂના વિશ્વનું વર્ણન કરે છે. પતિયોંલાઈ કવિતામાં પાનના વ્યસ્ત બજારોનું વર્ણન છે જ્યાં પાન વેચાતાં હતાં. મદુરાઈકાંચી કવિતામાં પાનની ખેતી અને વેચાણનો ઉલ્લેખ મળે છે, જ્યારે કુડુમ્બિકાઈ કવિતામાં કહેવામાં આવ્યું છે કે સોપારી સાથે પાન આપવું એ આતિથ્ય અને પ્રેમનું પ્રતીક હતું. 

અગરમમાં મહેમાનોને સૌપ્રથમ સોપારી આપવામાં આવતી હતી. ભૂટાનમાં જ્યારે બે લોકો મળે છે ત્યારે તેઓ ડોમા ચાવવા (અને સોપારી અને પાન વહેંચવા) આપતા હોય છે. પટનાયકનું કહેવું છે કે  દૂરના ટાપુઓથી સમુદ્ર માર્ગે આવેલો એક છોડ, જેનો વેદોમાં ઉલ્લેખ નથી, છતાં હોયસાલા મંદિરોની દીવાલો પર જોવા મળે છે, તે ત્રિમૂર્તિ, લક્ષ્મી અને યમના નિવાસસ્થાન અને માનવ સંબંધોના વ્યાકરણનું પ્રતીક બની ગયું. તેવી જ રીતે ભારતે હંમેશાં વિદેશી પ્રભાવોને અપનાવ્યા છે - સંપૂર્ણપણે અને તેના દત્તક લેવાની કોઈ યાદ નથી. 

આનો અર્થ એ થયો કે સીતા અને હનુમાન, અને દ્રૌપદી અને અન્યત્ર પાન વિશેની વાર્તાઓને વધુ પ્રસિદ્ધિ મળી જ્યારે ઉત્તર ભારતમાં પણ પાનનું ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આયુર્વેદિક મહત્ત્વ વધ્યું હતું.