Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં 6200ની તપાસમાં માત્ર 464 બાંગ્લાદેશી નિકળ્યા, હવે શું કરાશે ?

2026-06-04 10:20:00
Author: Mayur Patel
ગુજરાતમાં 6200ની તપાસમાં માત્ર 464 બાંગ્લાદેશી નિકળ્યા, હવે શું કરાશે ?

અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે ફરી એકવાર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં 6200ની તપાસમાં માત્ર 464 બાંગ્લાદેશી નીકળ્યા હતા. આ લોકોનો હવે દેશનિકાલ કરાશે. પકડાયેલા બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભરૂચમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું,  24 કલાક, સ્પેશિયલ ડ્રાઈવ, 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા. ગુજરાત પોલીસનો સ્પષ્ટ સંદેશ છે, ઘૂસણખોરીનો એક જ જવાબઃ કડક કાર્યવાહી.

સંઘવીએ એમ પણ જણાવ્યું હતું કે 3 જૂનના રોજ વહેલી સવારે રાજ્યવ્યાપી દરોડા દરમિયાન કેટલાક કથિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભાગવાનો પ્રયાસ કરતા ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારાઓને પકડવા માટે રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને હાઈવે પર ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી હતી. પોલીસે દરોડામાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહેલા અન્ય 18 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

બાંગ્લાદેશીઓને નોકરી પર રાખનારા સામે પણ થશે કાર્યવાહી

નાયબ મુખ્ય પ્રધાને એમ પણ જણાવ્યું કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આશ્રય આપનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. એક ખાસ પોલીસ ટીમ હવે આવા લોકોને નોકરીએ રાખનારા લોકોની પણ તપાસ કરશે. અમે પહેલા પણ કહ્યું હતું કે, દસ્તાવેજ ચકાસણી વગર કોઈએ કોઈને નોકરી આપવાની કે રહેઠાણ આપવાનું નથી. જોઈ કોઈ આવું કરશે તો તેમની સામે પણ ગુનો નોંધાશે. 

નકલી દસ્તાવેજો ક્યાં બનાવ્યા હતા

જે લોકોએ પોતાના ઓળખના નકલી દસ્તાવેજો  બનાવ્યા છે તેમના વિશે સંઘવીએ જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં અમને જાણવા મળ્યું છે કે લોકો પાસે કેટલાક વર્ષો પહેલા પશ્ચિમ બંગાળના ગામડાઓમાં બનેલા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો છે. તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શું કહ્યું

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે: ડેપ્યુટી સીએમની સૂચના હેઠળ, પોલીસની કેટલીક ટીમો બનાવવામાં આવી હતી અને તેમને સમગ્ર શહેરમાં તૈનાત કરવામાં આવી હતી. અમે 300  લોકોની અટકાયત કરી હતી અને તેમાંથી 166 લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હોવાની પુષ્ટિ થઈ હતી. જેમાં 95 મહિલાઓ, 41 પુરુષો અને 30 બાળકો છે.

મલિકે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મહિલાઓ સ્પામાં અને વેશ્યાવૃત્તિમાં કામ કરતી હતી, ત્યારે પુરુષો મજૂર તરીકે કામ કરતા હતા. તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવી એ અમારી પ્રાથમિકતા છે. અન્ય તપાસ પ્રક્રિયાઓ પછીથી હાથ ધરવામાં આવશે. તેમાંના મોટાભાગના લોકો અહીં આઠ મહિનાથી બે વર્ષથી રહેતા હતા.

જેસીપી શરદ સિંઘલે શું કહ્યું

અમદાવાદમાં 'ઓપરેશન ડેલ્ટા' જેસીપી (JCP) શરદ સિંઘલની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા લોકોને શહેરના દાણીલીમડા, નારોલ, નરોડા, સોલા, જુહાપુરા, સરખેજ, ઓઢવ અને પીરાણા વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાના આધારે, અમે તેમની વિગતો પોર્ટલ પર અપલોડ કરીશું અને તેમને દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરીશું.