ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ
ટેક્નોલોજીની દુનિયામાં જેટલું મહત્ત્વ કોઈ ડિવાઈસનું છે એના કરતાં અનેકગણું મહત્ત્વ ડેટાનું છે. ઈન્ટરનેટની વિશાળ દુનિયામાં ડેટાને રાજા માનવામાં આવે છે. વિશ્વના રાષ્ટ્ર પાસે પોતાનો એક ડેટાબેઝ હોય છે. માહિતી, આંકડા અને કોન્ટેટની દુનિયામાં ડેટા જેટલો એક્યુરેટ એટલી તેની અસર વધારે. મોબાઈલ અને ટેબલેટ જેવાં ડિવાઈસ આવતા હવે કોઈ પણ ફોર્મેટના ડેટાનો વપરાશ કરવો સરળ બની રહ્યો છે.
ઈન્ટરનેટના ડેટાની વાત કરીએ એ પહેલા ડેટાના મૂળ સુધી જઈએ તો તેને મેનેજ કરવામાં સરળતા રહે. ટેલિકોમ્યુનિકેશનમાં ક્રાંતિ થઈ એની સાથે કમ્પ્યુટર જગતમાં પણ ધરમખ પરિવર્તન આવ્યા. સૌથી મોટું અને ચોંકાવનારૂ પરિવર્તન એ આવ્યું કે, કોઈ પણ સ્વરૂપમાં ડેટાએ રો કોન્ટેટની નિર્ભરતા ઘટાડી દીધી. ડિજિટલની દુનિયામાં ઈન્ટરનેટના નેટવર્ક કરતાં પણ વિશાળ ડેટાના સામ્રાજ્યની સફરે નીકળીએ એ પહેલા ડેટા પોર્ટેબિલિટીને સમજી લઈએ.
ડેટા પોર્ટેબિલિટી:
ગૂગલ વર્ક ઓફિસ શરૂ થતા ડેટા પરની નિર્ભરતા ઓછી થઈ. મોબાઈલ, ટેબલેટ અને લેપટોપ-ડેસ્કટોપમાં એક ફાઈલની એકસૂત્રતા આવતા શેરિંગ સરળ થયું. મોબાઈલમાંથી તૈયાર કરેલા ડેટાને ઈ-મેઈલ કરી શકાય, પીડીએફ કરી શકાય, રો ડેટા એટલે કે, ટેક્સ, લખાણ, સંદેશા, નિબંધ કે આર્ટિકલને એના મૂળરૂપે એટલે કે લખાણના રૂપે સાચવી શકાય, આંકડાકીય માહિતી પરથી ચાર્ટ બનાવી શકાય, જરૂરી હોય એવા લખાણરૂપી ડેટાને ઈમેજ તરીકે દર્શાવાથી શબ્દો લખવાના ઘટી જાય. આ બધું જ એક જ ડિવાઈસ પર તૈયાર કર્યા અનેક ડિવાઈસ પર ફેરવી શકાય અને શેર પણ કરી શકાય છે. આને ડેટા પોર્ટેબિલિટી કહે છે. ગૂગલ ઓફિસ ઓનલાઈન થયા બાદ અને માત્ર જી- મેલના સહારે આ તમામ સર્વિસ મળ્યા બાદ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, પેઈન્ટ, ઈમેજીસ અને ડેટા એક્સેસની ફાઈલને એડિટ કરવી સરળ બની. સિક્યોર પણ બની. બસ, ધ્યાન એટલું રાખવાનું કે, ફાઈલ કરપ્ટ ન થવી જોઈએ.
ડેટા મેનેજમેન્ટ:
આ એક એવો વિષય છે જેને પ્રકરણમાં વર્ગીકૃત કરીએ તો પણ એક પુસ્તક બની જાય. મોબાઈલ ડિવાઈસ આવ્યા બાદ મલ્ટિમીડિયા ફોર્મેટ સૌથી વધારે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. દુનિયાનો કોઈ પણ ડેટા મોબાઈલ ડિવાઈસથી એક્સેસ થાય ત્યારે એમાં સૌથી વધારે મલ્ટિમીડિયાનો ઉપયોગ થાય છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે ટેક્સ કે રો ડેટાની જરૂરિયાત ઓછી થઈ રહી છે. મોટી મોટી કંપનીઓ જે ફાઈલના થોથા પડ્યા રહેતા એનું ડિજિટાઈઝેશન થયું છે, જેને સાચવવા માટે કંપનીઓ સર્વરમાં જગ્યા ખરીદે છે અને ડેટા સાચવવા માટે પૈસા ચૂકવે છે. મોબાઈલમાં ડેટા મેનેજમેન્ટ વ્યવસ્થિત હોય તો યાદ રાખવાની ઝંઝટ ઘટે. ફાઈલ્સ પર કામ કરવાનું વધારે થતું હોય તો નોટ્સ નામની એપ્સમાં એનું લિસ્ટિંગ કરી શકાય, જેમકે ડિવાઈસ કે પોતાના નામથી શરૂઆત કરી મોબાઈલમાં કઈ કઈ જરૂરી ફાઈલ્સ પડી છે એનું લિસ્ટિંગ કરી શકાય. વોટ્સએપની મદદથી દરરોજ અનેક ફાઈલ્સ આપણા સુધી પહોંચે છે. પીડીએફ પર જસ્ટ વન્સ પર ક્લિક કરી પછી ભૂલી જવાય છે. દિવસના અંતે આવી જરૂરી ફાઇલ્સનું લિસ્ટિંગ હશે તો જરૂર પડ્યે ફાઈલ્સ શોધવાની જરૂર નહીં પડે.
સ્પેસ મેનેજમેન્ટ:
મોબાઈલ માટે જે વાત લાગુ પડે છે એ કમ્પ્યુટર કે લેપટોપ માટે લાગુ પડે એ જરૂરી નથી. મોબાઈલમાં ક્યારેક લિસ્ટ વ્યવસ્થિત હોય અને ફાઈલ્સ મોટી હોય ત્યારે સ્પેસનો ઈસ્યૂ આવે. આવું ન થાય એ માટે ફાઈલ્સને ક્લાઉડ એપ કે વોટ્સએપમાં સેલ્ફ મેસેજમાં સ્ટોર કરી રાખો. પછી નોટ્સમાંથી જે તે નામ માત્ર સર્ચ કરવાથી એ ફાઈલ સરળતાથી સ્ક્રીન સામે આવી જશે. આવું લેપટોપ કે કમ્પ્યુટરમાં ન થાય કારણ કે, એના પાથ કે સોર્સ અલગ અલગ હોય છે. કમ્પ્યુટરમાં આવું કરવા માટે પાથ સેવર તૈયાર કરવું પડે જે એક્સેલ અથવા એક્સેસમાં કરી શકાય છે. ટેબલેટમાં મોબાઈલ કરતાં સ્પેસ વધારે મળે છે. આવા સમયે સ્પેસ મેનેજમેન્ટની ખરી કસોટી થાય છે. જે ફાઈલ્સ કે વીડિયો દરરોજ ઉપયોગમાં લેવાય છે એને યાદ રાખવાની જરૂર નથી એ કામ ડિવાઈસ કરશે.
ઈન્ટરનેટ ડેટા:
ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે, દરરોજનું 2જીબીનો ડેટા મળે છે તો દિવસ પૂરો થાય એ પહેલા જ 2 જીબીનો ક્યાં ઉપયોગ થઈ જાય છે એની ખબર પડતી નથી. ઈન્ટરનેટ ડેટા સાચવવો અતિ જરૂરી છે. ખાસ કરીને ટ્રાવેલ કરતા હોય ત્યારે અને ક્યારેક કોઈ જરૂરી મીટિંગ હોય ત્યારે. મોટાભાગના કોર્પોરેટ વાઈફાઈના સહારે શ્વાસ લઈ રહ્યા છે. હવે જ્યારે કંપનીની મીટિંગ કોઈ કંપની સિવાયના લોકેશન પર હોય ત્યારે આવો ડેટા કામ આવે છે. કઈ એપ્લિકેશન કેટલો ડેટા વાપરે છે એની વિગત ગૂગલ પ્લેમાંથી ડાઉનલોડ કરો ત્યારે ડિસક્રિપ્શનમાં એની વિગત લખેલી હોય છે. ડાઉનલોડ કરેલી એપ્સમાં એપ્સ ઈન્ફોમાંથી એ કેટલો ડેટા વાપરે છે એ જાણી શકાય. કોઈ પણ એપ્સ પર ફોર્સ ટુ સ્ટોપ કરવાથી 5 મિનિટ સુધી ઈન્ટરનેટ ડેટાના ઈનકમિંગ આઉટગોઈંગ એ રોકી દેશે. ઓટો ડાઉનલોડ ઓપ્શન બંધ રાખવાથી ડેટા બચે છે. શક્ય હોય તો વીડિયો ફોર્મેન્ટના ડેટા વાઈફાઈમાં જોવાથી ફોનનો ડેટા બચે છે. કોઈને મોકલતી વખતે ડોક્યુમેન્ટ કરવાથી ડેટા ક્લેરિટી યથાવત રહે છે. ફોનની જે એપ્લિકેશનના વારંવાર મેસેજ આવે એ સૌથી વધુ ડેટા ખાય છે. નક્કામા એપ્સ નોટિફિકેશન બંધ કરીએ તો દરરોજ ડેટા વધે.
આઉટ ઓફ બોક્સ
ઈઝરાયલ ઈરાનની લડાઈ લાંબી ચાલશે તો ઈન્ટરનેટ સર્વિસ પર જોખમ વધશે, કારણ કે, 90 ટકા દેશના ઈન્ટરનેટ કેબલ્સ ઈરાન પાસેની ખાડીમાંથી રૂટ કરવામાં આવ્યા છે.