Mon Aug 17 2026

Logo

મેડિકલ પ્રવેશ પ્રક્રિયાનું શિડ્યૂલ જાહેર; 4 ઓગસ્ટથી કાઉન્સિલિંગ શરૂ થશે; જાણો મહત્વની તારીખો અને 3 મોટા ફેરફારો

2026-08-02 11:31:17
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ રહેલા દેશના લાખો NEET-UG 2026ના ઉમેદવારો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેડિકલ કાઉન્સિલિંગ કમિટી દ્વારા MBBS અને અન્ય અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા કોટા કાઉન્સિલિંગનું સંપૂર્ણ ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 4 ઓગસ્ટથી પ્રથમ તબક્કાની કાઉન્સિલિંગ પ્રક્રિયા શરૂ થશે, જ્યારે મેડિકલ કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.

AIQ કાઉન્સિલિંગ ટાઈમટેબલ

All India Quota (AIQ) કાઉન્સિલિંગના શિડ્યૂલની વાત કરવામાં આવે તો, પ્રથમ તબક્કોમાં 4 ઓગસ્ટથી 17 ઓગસ્ટ (જેમાં કોલેજમાં રિપોર્ટિંગ 22 ઓગસ્ટ સુધી), બીજી તબક્કો 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર, ત્રીજો તબક્કો 10 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર અને સ્ટ્રે વેકન્સી રાઉન્ડ 28 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર સુધી નક્કી કરવામાં આવી છે. આ સાથે 10 ઓક્ટોબર આ પ્રક્રિયામાં અંતિમ પ્રવેશ તારીખ રહેશે.

State Quota કાઉન્સિલિંગ ટાઈમટેબલ

રાજ્ય કોટાની બેઠકો માટેની કાઉન્સિલિંગ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 13 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોએ 28 ઓગસ્ટ સુધીમાં સંબંધિત કોલેજમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ બીજો તબક્કો 31 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી અને ત્રીજો તબક્કો 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરવામાં આવશે. અંતમાં, બાકી રહેલી ખાલી બેઠકો ભરવા માટે 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન સ્ટ્રે વેકન્સી રાઉન્ડ યોજવામાં આવશે.

નવું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે 

MCC એ સ્પષ્ટ કર્યું છે કે, આગામી 8 સપ્ટેમ્બરથી તમામ મેડિકલ કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. ખાલી પડેલી સીટો માટે પછીના રાઉન્ડ ચાલુ રહેશે. સમગ્ર પ્રક્રિયા સમયસર પૂરી થાય તે માટે શનિવાર, રવિવાર અને સરકારી રજાના દિવસોમાં પણ કાઉન્સિલિંગની કામગીરી ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કાઉન્સિલિંગ પ્રક્રિયામાં આ મોટા ફેરફારો કરવામાં આવ્યાં

ફિઝિકલ રિપોર્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, સીટ મેળવ્યા બાદ જેમણે 'અપગ્રેડેશન'નો વિકલ્પ પસંદ કર્યો છે, તેમને હવે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે રૂબરૂ કોલેજ જવું નહીં પડે. તેમની સીટ સિસ્ટમમાં સુરક્ષિત રહેશે. તે પછી ઉમેદવારો હવે કોલેજ ગયા વગર જ નક્કી કરેલા નિયમો મુજબ MCC પોર્ટલના માધ્યમથી ઓનલાઈન પોતાની સીટ પરથી રાજીનામું આપી શકશે. આ સાથે NRI કોટા માટે સરળતા રહેવાની છે. ડીમ્ડ યુનિવર્સિટીઓમાં NRI કોટા હેઠળ અરજી કરનારા વિદ્યાર્થીઓ હવે પોતાના જરૂરી દસ્તાવેજો સીધા ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી શકશે.