Wed Jul 01 2026

Logo

LC આપવાના બહાને મહિલાને હોટલ બોલાવનાર નડિયાદનો આચાર્ય રંગેહાથ ઝડપાયો!

2026-02-14 12:58:40
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: શહેરમાં શિક્ષણ જગતને નીચાજોણું થાય તેવી ઘટના આવી છે.  નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાની શર્મજનક હરકત સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. નડિયાદ વિસ્તારમાં રહેતી એક ૩૭ વર્ષીય મહિલાએ પોતાના બે બાળકોની શાળા બદલવા માટે લિવિંગ સર્ટિફિકેટ (LC) ની અરજી કરી હતી. આ કામ માટે લંપટ આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી મહિલાને મદદ કરવાને બદલે તેને અમદાવાદમાં આવેલી હોટલમાં મળવા માટે બોલાવી હતી. આચાર્યએ મહિલાને લાલચ આપી હતી કે જો તે હોટલમાં આવશે તો જ તેને બાળકોના LC આપવામાં આવશે.

આચાર્યની મેલી મુરાદને  પારખી ગયેલી મહિલા હેબતાઈ ગઈ હતી, પરંતુ આ લંપટને પાઠ ભણાવવા માટે તે હોટલ પહોંચી હતી. જોકે, મહિલા એકલી નહીં પણ પોતાના પરિવાર અને બજરંગ દળના કાર્યકરોને સાથે લઈને પહોંચી હતી. હોટલના રૂમ નંબર ૩૦૪ માં આચાર્ય કિરીટસિંહ ઝાલા પહેલાથી જ હાજર હતો. મહિલા રૂમમાં પ્રવેશી તેની ગણતરીની મિનિટોમાં જ તેના પરિવારે ત્રાટકીને હોબાળો મચાવ્યો હતો. 

આ સમયે આચાર્ય ગભરાઈ ગયો હતો અને વિડિયોમાં પોતાનું મોઢું છુપાવતો જોવા મળ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આચાર્ય પાસેથી હોટલના રૂમમાંથી જ શાળાની સત્તાવાર 'LC રજિસ્ટર બુક' પણ મળી આવી હતી, જે તે ગેરકાયદેસર રીતે પોતાની સાથે લાવ્યો હતો.

આ સમગ્ર હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી આચાર્ય કિરીટસિંહ ઝાલાને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ કર્યો છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આ લંપટ આચાર્ય પર ફિટકાર વરસી રહ્યા છે.