Sun Jun 21 2026

Logo

મલ્ટિટાસ્કિંગનો ભ્રમ: જાણી લો કે મગજ જ્યારે એક સાથે ઘણું બધું સંભાળી શકતું નથી

2026-02-15 10:23:00
Author: Mumbaisamachar Team
Article Image

 

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે સંસદ ભવનની સીડીઓ પર કૉંગ્રેસના નેતા શશી થરૂર કોઈ રાજકીય મુદ્દા માટે નહીં, પણ ફોન પર વાત કરતાં-કરતાં ગબડી પડ્યા એટલે ચર્ચાનો વિષય બન્યા હતા. ઘટના (અથવા દુર્ઘટના) નાની હતી અને સદનસીબે થરૂરને કોઈ ઈજા પણ થઇ નહોતી, પરંતુ એમાં આધુનિક જીવનની એક કડવી સચ્ચાઈ હતી: આપણું મગજ મલ્ટિટાસ્કિંગ કરવા માટે બેહદ ખરાબ છે, જે આપણે એ માનવા તૈયાર નથી.

વાહન ચલાવતી વખતે ફોન પર વાત ન કરવી જોઈએ તે ચેતવણી જેટલી ગંભીર છે એટલી જ ગંભીર વાત એ છે કે સીડીઓ ઊતરવા જેવી ‘નિર્દોષ’ ક્રિયા વખતે પણ ફોન ટાળવો જોઈએ, પરંતુ આપણે તો ફોર વ્હીલર જવા દો, ટૂ- વ્હીલર પર પણ કાન અને ખભા વચ્ચે ફોન દબાવીને મગજ પાસે મલ્ટિટાસ્કિંગ કરાવીએ છીએ, પછી સીડી ઊતરવા જેવી ‘સામાન્ય’ વાતની તો શી વિસાત!

આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં તમે એક સાથે અનેક કામ ન કરી શકતા હો, ચાલતાં-ચાલતાં ફોન પર વાત ન કરી શકતા હો, મેલનો જવાબ આપતાં-અપાતાં મીટિંગમાં સહમતી માટે માથું હલાવી શકતા ન હોવ અથવા ટીવી જોતાં-જોતાં સોશ્યલ મીડિયા સ્ક્રોલ કરી શકતા ન હોવ તો તમને ‘પછાત’ અથવા સુસ્ત અથવા ફોકસ વગરના ગણી લેવામાં આવે છે.

જોકે ન્યૂરોસાયન્સની દુનિયા આનાથી તદ્દન ઊંધી વાત કરે છે; મગજ મલ્ટિટાસ્કિંગ માટે બન્યું જ નથી, આપણે જબરદસ્તી તેને ખચ્ચર બનાવી દીધું છે. માનવ મગજ એક સમયે એક જ જટિલ કામ અત્યંત સફાઈથી કરી શકે છે.  બાકી બીજું બધું ભ્રમ છે.

શશી થરૂર સાથે બનેલી ઘટના સૂચક છે. તે સંસદ ભવનમાંથી ફોન પર વાતો કરતાં-કરતાં બહાર આવતા હતા અને સીડી પર સાંસદોની ભીડ વચ્ચેથી જગ્યા કરીને સીડી ઊતરવા જતા હતા ત્યાં જ પગથિયું ભૂલી ગયા ચૂકી ગયા અને ગડથોલિયું ખાઈને પડી ગયા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને અન્ય અધિકારીઓએ એમને પકડી લીધા એટલે ગંભીર ઈજામાંથી બચી ગયા.

થરૂર સાધારણ વ્યક્તિ નથી. તે ભાષાના વિદ્વાન છે, વિચારોથી સમૃદ્ધ છે, સાર્વજનિક જીવનથી અભ્યસ્ત છે એટલે તેમને અણઘડ કે બાઘા કે એવું તો ન કહેવાય. ઇન ફેક્ટ, તેમનું દિમાગ ઘણું શાર્પ છે. તો શું થયું હતું? તેમનું મગજ એક સાથે બે કામો કરી રહ્યું હતું : ફોન પર વાતોમાં વ્યસ્ત હતું અને સીડીઓ પરથી રસ્તો કરી રહ્યું હતું. એ બે જટિલ કામ વચ્ચે તેમનું મગજ એક સેક્ધડ માટે ‘અટવાઈ’ ગયું.

આવું ઘણા લોકોના કિસ્સાઓમાં થાય છે. ઇન ફેક્ટ, સીડીઓ પર પગથિયું ભૂલીને પડી જવાનું બહુ જ સામાન્ય છે.

આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણું મગજ શરીરનું સંતુલન, દિશા, અંતર અને ગતિ સાથે જોડાયેલા સૂક્ષ્મ નિર્ણયો લેતું હોય છે. આ બધું ઓટોમેટિક લાગે છે, પણ પૂરી રીતે નહીં.   
 
બીજી તરફ ફોન પર વાતચીત- ખાસ કરીને મહત્ત્વની વાતચીત- ભાષા, સ્મૃતિ અને પ્રતિક્રિયા સાથે સંલગ્ન નેટવર્કને સક્રિય કરે છે. અર્થાત, મગજ બે નેટવર્કમાં વ્યસ્ત હોય છે.

આ ટ્રાફિકમાં વારંવાર ગિયર બદલવા જેવું છે. એમાં ક્યારેક ગડબડ થઇ જાય છે. મગજના કિસ્સામાં, બંને કામ એક જ સમયે કરવાનો અર્થ એ થયો કે તેણે લગાતાર ગિયર બદલતા રહેવું પડે. સમસ્યા અહીંથી શરૂ થાય છે. આપણે તેને મલ્ટિટાસ્કિંગ ગણીને ગૌરવ લઈએ છીએ,પરંતુ તે દુર્ઘટના માટેનું સંભવિત જોખમ છે...લાંબા ગાળે તે મગજની એકાગ્રતા, સ્મૃતિસંગ્રહ અને કોગ્નેટિવ ક્ષમતાને અસર કરે છે. મલ્ટિટાસ્કિંગથી આપણાં કામોમાં સરળતા તો થાય છે, પણ મગજને નુકસાન થાય છે.

વૈજ્ઞાનિકો તેને ‘ટાસ્ક સ્વિચિંગ’ કહે છે, મલ્ટિટાસ્કિંગ નહીં. મગજ એક કામ છોડીને બીજા પર શિફ્ટ થાય છે, અને ફરી પાછું મૂળ કામ પર આવે છે. દર વખતે આ સ્વિચિંગ એક નાનકડી કિંમત વસૂલતું હોય છે- ધ્યાનની, સમયની અને સટીકતાની. આ કિંમતનો આપણને અહેસાસ નથી હોતો, પણ તેની અસર દેખાય છે. ક્યારેક સીડીઓ પરથી ગડથોલિયું ખાઈ જવું, ક્યારેક કાર ચલાવતી વખતે એક સેક્ધડમાં અકસ્માત થઇ જવો અને ક્યારેક સંબંધો બગાડે તેવું ‘વગર વિચાર્યું’ વાક્ય બોલાઈ જવું.

રોચક વાત એ છે કે મલ્ટિટાસ્કિંગને આપણે સિદ્ધિ માનીએ છીએ, સંશોધનો કહે છે કે જે લોકો પોતાને આમાં નિષ્ણાત માનતા હોય છે, એ લોકો જ ઘણી વાર સૌથી વધારે ભૂલ કરે છે. આ આત્મવિશ્વાસ ખરેખર એક ભ્રમ છે. એક સાથે અનેક વાત - બાબત પર ધ્યાન વહેંચાયેલું રાખવાને આપણે કાર્યક્ષમતા સમજીએ છીએ. મોબાઇલ ફોને આ ભ્રમને વધુ મજબૂત બનાવ્યો છે. નોટિફિકેશન્સ, કોલ્સ મેસેજીસની ભરમાર વચ્ચે દરેક સેક્ધડે મગજને કહેવામાં આવે છે- ‘હવે અહીં જો!’ અને મગજ, એક આજ્ઞાકારી નોકરની જેમ, જે દિશામાં કહે તે દિશામાં વળી જાય છે.

સંસદ ભવનની સીડીઓ કેવળ પથ્થર નથી, તે પ્રતીક છે એ સંરચનાની જેના પર આપણું રોજિંદુ જીવન ટકેલું છે. ઓફિસોમાં લોકો મીટિંગ વખતે લેપટોપ પર મેલ લખતા હોય છે. શિક્ષક ઓનલાઈન ક્લાસ લેતી વખતે વોટ્સએપ ચેક કરતો હોય છે. માતા-પિતા બાળકો સાથે વાત કરતી વખતે ટીવી સ્ક્રીન પર નજર રાખતાં હોય છે. એક સ્કૂટર સવાર દોસ્ત બીજા દોસ્ત સાથે ફોન પર વાત કરતી વખતે કારને ઓવરટેક કરતો હોય છે... આમ આપણે દરેક જગ્યાએ અડધા-અડધા હોઈએ છીએ. ના પૂરેપૂરા અહીં, જે ન પૂરેપૂરા ત્યાં. અને પછી આશ્ર્ચર્ય વ્યક્ત કરીએ છીએ કે કામની ગુણવત્તા કેમ ઓછી થઇ છે, સંબંધો કેમ ઊંડા નથી રહ્યા અને થાક કેમ વધી રહ્યો છે.

મગજની બીજી સમસ્યા એ છે કે તે ‘ધ્યાન’ને ઊર્જાની જેમ ખર્ચ કરે છે. ધ્યાન સીમિત સંસાધન છે. જ્યારે તમે તેને અનેક દિશાઓમાં વહેંચો, ત્યારે દરેક કામને ઓછી ઊર્જા મળે છે. એટલે જ આપણો અનુભવ ઉપલકિયા હોય છે, સમજ સતહી રહે છે અને માનસિક થકાન મહેસૂસ થાય છે. પરિણામે આખો દિવસ ખાસ કશું કામ ન કર્યું હોય છતાં દિવસના અંતે આપણે નંખાઈ ગયેલા અનુભવીએ છીએ. આપણે કામ તો બહુ કરીએ છીએ, પણ એમાં ભલીવાર નથી હોતો.

આ દેશમાં દર વર્ષે ઘટતી સડક દુર્ઘટનાઓમાં ‘ધ્યાન ભટકી’ જવાનું કારણ પ્રમુખ હોય છે. આ કેવળ ટેકનોલોજીની સમસ્યા નથી, બલ્કે આપણી આદતોની સમસ્યા છે. આપણું ધ્યાન કોણ ખેંચે છે, કેમ ખેંચે છે અને આપણે કેટલી આસાનીથી તે આપી પણ દઈએ છીએ તેના પર વિચાર કરવા જેવો છે. મલ્ટિટાસ્કિંગ આપણને વધુ પ્રોડક્ટીવ નથી બનાવતું, બલ્કે લગાતાર અધૂરા બનાવે છે.

તેનું સમાધાન જટિલ નથી, સરળ છે એક સમયે એક જ કામ. ચાલતી વખતે કેવળ ચાલો જ. ખાતી વખતે કેવળ 

ખાવ. જોતી વખતે કેવળ જુઓ. લખતી વખતે કેવળ લખો. આ વાત સાંભળવામાં સાધારણ લાગે છે, પણ આજના સમયમાં ક્રાંતિકારી છે. ધ્યાનને પાછું ખેંચવું, તેનું સન્માન કરવું આધુનિક જીવનનું અગત્યનું કામ છે.

થરૂરનું જે રીતે ગબડી પડવું આપણને યાદ અપાવે છે કે માણસની અમુક સીમાઓ છે. મગજ સુપરકોમ્પ્યુટર નથી, બલ્કે એક સંવેદનશીલ, સીમિત અને થાકી જતું અંગ છે. તેને મશીનની જેમ ચલાવવાની જીદ આપણને ગડથોલિયું ખવડાવે છે- ક્યારેક સીડીઓ પરથી, ક્યારેય જીવનમાંથી.