Fri Jul 24 2026

Logo

મુંદ્રા બંદર પરથી રેકોર્ડબ્રેક નિકાસ: ૬,૦૦૮ મોટરકાર ભરીને જહાજ વિદેશ રવાના

2026-04-11 11:42:00
Author: Mayur Patel
Article Image

ભુજ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સંચાલિત મુંદ્રા બંદરે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. અત્રેના રો-રો ટર્મિનલે MV NOCC ADRIATIC નામના માલવાહક જહાજમાં રેકોર્ડબ્રેક ૬,૦૦૮ મોટરકારની નિકાસ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કર્યો છે, જે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં મુંદ્રા બંદર પર લંગરાયેલા વિશાળકાય જહાજ MV NOCC ADRIATIC માં એકસાથે ૬,૦૦૮ વાહનોનું લોડિંગ કરી તેને રવાના કરવામાં આવ્યું હતું. ભારતમાં અત્યાર સુધી કોઈ પણ બંદર પરથી એક જ શિપમેન્ટમાં આટલી મોટી સંખ્યામાં કારની નિકાસ કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષ દરમિયાન મુંદ્રા ટર્મિનલે કુલ ૨,૨૯,૦૦૦ થી વધુ મોટરકારની નિકાસ કરીને દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૦૯માં સ્થપાયેલું મુંદરા રો-રો ટર્મિનલ આજે દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને ગુજરાતની ઓટોમોબાઈલ કંપનીઓ માટે મુખ્ય ગેટ-વે બની ચૂક્યું છે. અહીંથી મોટરકાર, બસ અને ટ્રકની નિકાસ વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં કરવામાં આવે છે. ટર્મિનલની કુશળ ઓપરેશન ટીમ અને અત્યાધુનિક પાર્કિંગ વ્યવસ્થાને કારણે જહાજોનું પરિવહન અત્યંત ઝડપી અને કાર્યક્ષમ બન્યું છે.

આ ટર્મિનલની સૌથી મોટી વિશેષતા તેનું અલ્ટ્રા-મોર્ડન ફ્લોટિંગ પોન્ટૂન અને લિંક સ્પાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ટેકનોલોજીને કારણે દરિયાની ભરતી-ઓટની ચિંતા કર્યા વગર ૨૪ કલાક વાહનોનું લોડિંગ અને અનલોડિંગ કરી શકાય છે. આ આધુનિક સુવિધાઓને કારણે જ મુંદ્રા બંદર આજે વિશ્વના શ્રેષ્ઠ રો-રો ટર્મિનલ્સમાં સ્થાન પામ્યું છે.