Mon Oct 05 2026

Logo

મુંબઈ પોલીસનો છ વર્ષનો સૌથી શ્રેષ્ઠ દેખાવ: ગુના ઉકેલનો દર 85 ટકા

2026-09-04 20:47:56
Author: Yogesh C. Patel
મુંબઈ પોલીસનો છ વર્ષનો સૌથી શ્રેષ્ઠ દેખાવ: ગુના ઉકેલનો દર 85 ટકા

Chat GPT Generated Image


મુંબઈ: મુંબઈ પોલીસનો ગુના ઉકેલવાનો દર પહેલી જાન્યુઆરીથી 31 ઑગસ્ટ દરમિયાન 85 ટકા રહ્યો હતો, જે આ જ સમયગાળામાં છેલ્લાં છ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ હોવાનું વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ચાર ટકાનો ઘટાડો થયો છે અને દરેક શ્રેણીમાં ગુના ઉકેલવાનો દર વધ્યો છે. સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ પાછી મેળવવામાં નોંધપાત્ર કામગીરી બજાવાઈ છે, જ્યારે ડ્રગ્સ વિરોધી ઝુંબેશને પણ ઉલ્લેખનીય સફળતા મળી છે.

મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે હત્યાના પ્રયાસ અને લૂંટના કેસ 100 ટકા ઉકેલાયા છે, જ્યારે હત્યા જેવા ગંભીર ગુનામાં પણ 99 ટકા કેસ સૉલ્વ થયા છે.

2026માં સાયબર ક્રાઈમ ઉકેલનારી પોલીસ ટીમ્સે છેતરાયેલા લોકોએ ગુમાવેલાં નાણાંમાંથી 27.63 ટકા રકમ બૅન્ક ખાતાઓમાં જ સીઝ કરી હતી, જે 2022માં 4.9 ટકાની સામે શ્રેષ્ઠ ગણી શકાય. સીઝ કરાયેલા 186.36 કરોડ રૂપિયા મૂલ માલિકને પાછા આપવામાં આવ્યા હતા.

યુવાનોને નશાના બંધાણી થતા રોકવા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 2024થી મુંબઈ પોલીસે 3,052 કેસ નોંધીને 1,606 કરોડ રૂપિયાનું 6,371 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ગેરકાયદે 11 ફૅક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.

એ સિવાય 2025-26માં ડ્રગ્સના મોટા ઈન્ટરનૅશનલ નેટવર્ક સાથે સંકળાયેલા પાંચ મુખ્ય સભ્યને પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઈ)