Tue Aug 18 2026

Logo

Mumbai Mega Block: મુંબઈવાસીઓ સાવધાન! વીકએન્ડમાં પશ્ચિમ અને મધ્ય રેલવે પર મેગાબ્લોક; અનેક લોકલ ટ્રેનો રદ અને ડાઈવર્ટ

2026-08-01 16:33:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈમાં વિવિધ જાળવણી અને જરૂરી અભિયાંત્રિકી કામ (Maintenance Work)ને કારણે આ વીકએન્ડ દરમિયાન પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા મેગાબ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે અનેક લોકલ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક મહત્વની સેવાઓ રદ રહેશે. ટ્રેનો મોડી દોડવાની શક્યતા હોવાથી મુસાફરોને અગાઉથી જ સમયપત્રક ચકાસીને ઘરની બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

મધ્ય રેલવે પર સવારે ૧૦:૩૬ થી બપોરે 3.10 વાગ્યા સુધી મટુંગા અને મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર મેગાબ્લોક રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટીથી ઉપડતી ફાસ્ટ લોકલ ટ્રેનોને મટુંગા સ્ટેશનથી સ્લો લાઈન પર વાળવામાં આવશે, જે મુલુંડ સુધી તમામ સ્ટેશનો પર થોભશે. મુલુંડ બાદ આ ટ્રેનો ફરી ફાસ્ટ લાઇન પર દોડશે. તેવી જ રીતે, થાણેથી સીએસએમટી તરફ આવતી ફાસ્ટ લોકલો પણ મુલુંડથી મટુંગા વચ્ચે સ્લો લાઇન પર ચાલશે.

હાર્બર લાઈન પર સવારે ૧૧:૧૦થી સાંજે ૪:૧૦ વાગ્યા સુધી સીએસએમટી–ચુનાભટ્ટી/બાંદ્રા રૂટ પર બ્લોક રહેશે. બ્લોકને પરિણામે સીએસએમટીથી વાશી, બેલાપુર અને પનવેલ તેમજ બાંદ્રા અને ગોરેગાંવથી સીએસએમટી આવતી કેટલીક લોકલ સેવાઓ રદ રહેશે. મુસાફરોની સગવડ માટે પનવેલ અને કુર્લા વચ્ચે દર 20 મિનિટના અંતરે વિશેષ (સ્પેશિયલ) લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે પર આવતીકાલે દિવસ દરમિયાન કોઈ બ્લોક નહીં હોય પણ આજે એટલે કે શનિવારે રાતે ૧૨:૨૫થી વહેલી સવારે ૪:૨૫ વાગ્યા સુધી મુંબઈ સેન્ટ્રલ અને માહિમ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર મેગાબ્લોક રહેશે. આ દરમિયાન ચર્ચગેટથી સાંતાક્રુઝ વચ્ચે દોડતી ફાસ્ટ લોકલ ટ્રેનોને સ્લો લાઇન પર ડાઈવર્ટ કરવામાં આવશે. ખાસ રાહતની વાત એ છે કે રવિવારે પશ્ચિમ રેલવે પર કોઈ મેગાબ્લોક રહેશે નહીં.

રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને અસુવિધાથી બચવા માટે નવું સમયપત્રક ધ્યાનમાં રાખીને જ મુસાફરીનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.