મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કના સૌથી વ્યસ્ત સ્ટેશનો પૈકીના એક એવા અંધેરી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ નિયંત્રણ અને સરળ અવરજવર માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. અંધેરી સ્ટેશન પરથી લોકલ ટ્રેનમાંથી ઉતર્યા બાદ હવે પ્રવાસીઓને સીધા અંધેરી પૂર્વ તરફ બહાર નીકળવાનો નવો માર્ગ મળશે. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા 6ઠ્ઠી લાઈનને અડીને ઉત્તર તરફ 12 કોચની ક્ષમતા ધરાવતો નવો હોમ પ્લેટફોર્મ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
આ નવો હોમ પ્લેટફોર્મ કાર્યરત થતાં પ્લેટફોર્મ નંબર નવ પર આવતી લોકલ ટ્રેનોના મુસાફરોને બંને બાજુથી ઉતરવાની 'ડબલ ડિસ્ચાર્જ' સુવિધા પ્રાપ્ત થશે, જેનાથી ફૂટ અને સીડીઓ પર થતી જીવલેણ ભીડમાં મોટો ઘટાડો થશે.
પ્લેટફોર્મ નવ પર આવતી ટ્રેનમાંથી ઉતરતા જે મુસાફરોએ અંધેરી પૂર્વ તરફ જવું છે, તેઓ બ્રિજ ચડ્યા વિના સીધા રોડ તરફ નીકળી શકશે. પીક અવર્સ દરમિયાન ફૂટ ઓવરબ્રિજ પર થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. ઘણી વખત બ્રિજ પર ભીડને કારણે મુસાફરોની ટ્રેન છૂટી જતી હોય છે, તે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવશે.
12 ડબ્બાના આ પ્રસ્તાવિત હોમ પ્લેટફોર્મને કારણે ટ્રેનના બંને દરવાજાઓ તરફથી મુસાફરો એકસાથે ઝડપથી ઉતરી શકશે. અંધેરી સ્ટેશન પરથી દરરોજ પશ્ચિમ અને હાર્બર લાઈનની મળીને 1000થી વધુ લોકલ ટ્રેનો પસાર થાય છે અને લાખો મુસાફરો અવરજવર કરે છે. ખાસ કરીને સાંજે વિરાર તરફ જતી ટ્રેનો વખતે પ્લેટફોર્મ 9 પર ભારે અફરાતફરી સર્જાતી હોય છે.
પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચને દક્ષિણ તરફ લંબાવવાનું કામ પ્રગતિમાં છે, જેથી પ્લેટફોર્મ પાંચ પરથી પણ વિરાર તરફ ટ્રેનો દોડાવી શકાશે. પ્લેટફોર્મ નંબર સાતને ઉત્તર તરફ 10 મીટર અને પ્લેટફોર્મ નંબર 6ને દક્ષિણ તરફ 20 મીટર લંબાવવામાં આવશે.
'S-49' સિગ્નલને દક્ષિણ તરફ શિફ્ટ કરવામાં આવશે તેમ જ પ્લેટફોર્મ 7ના છેડે નવું સિગ્નલ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હાર્બર લાઈનના અપ-ડાઉન ટ્રેક વચ્ચે ઈમરજન્સી ક્રોસઓવર બનાવવામાં આવી રહ્યો છે, જેથી જમ્બો બ્લોક કે કટોકટીના સમયે હાર્બર ટ્રેનોને સરળતાથી રિવર્સ વાળી શકાય.