Mon Oct 05 2026

Logo

સાયબર ફ્રોડથી 10 બૅંક અકાઉન્ટમાં 24 કરોડ રૂપિયા જમા થયા: ત્રણની ધરપકડ

2026-09-11 20:48:12
Author: Yogesh D. Patel
સાયબર ફ્રોડથી 10 બૅંક અકાઉન્ટમાં 24 કરોડ રૂપિયા જમા થયા: ત્રણની ધરપકડ

મુંબઈ: પોતાના તથા સાથીદારોના નામે વિવિધ બૅંકમાં અકાઉન્ટ ખોલાવ્યા બાદ તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરનારા ત્રણ જણને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. સાયબર ફ્રોડથી માત્ર 10 બૅંક અકાઉન્ટમાં 24 કરોડ રૂપિયા જમા થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચની ટીમે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ઇસ્લામુદ્દીન સલીમુદ્દીન શેખ, યાસીર નસીરુદ્દીન શેખ અને શેખ અબ્દુલ રઝાક શેખ રઉફ તરીકે થઇ હતી. ત્રણેય આરોપી તળોજા વિસ્તારના રહેવાસી છે. આરોપીઓ પાસેથી વિવિધ બૅંકની 88 પાસબૂક, 143 ચેકબૂક, 100 એટીએમ કાર્ડ તથા દસ્તાવેજો, 24 મોબાઇલ, 167 સિમ કાર્ડસ, બે લેપટોપ તેમ જ અન્ય મતા જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓએ સાયબર ફ્રોડ માટે 2,898 સિમ કાર્ડસનો ઉપયોગ કર્યો હોવાનુંં તપાસમાં સામે આવ્યું હતું. આરોપીઓને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરાતાં તેમને 19 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચના અધિકારીને માહિતી મળી હતી કે ત્રણ વ્યક્તિ પોતાના નામે તથા તેમના સાથીદારોના નામે વિવિધ બૅંકમાં અકાઉન્ટ ખોલ્યા બાદ તેની સાથે લિંક કરવા માટે સિમ કાર્ડ ખરીદે છે અને ચેકબૂક, પાસબૂક મેળવ્યા બાદ ઉપરોક્ત બૅંક અકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરે છે. આ અંગે ખાતરી કરવા માટે તપાસ કરાઇ હતી અને બાદમાં ગુનો આચરનાર ત્રણ જણને ઝડપી પાડવામાં આવ્યા હતા.