Tue Aug 18 2026

Logo

મુંબઈમાં પાંચ બોગસ ડૉક્ટર પકડાયા: મેડિકલની ડિગ્રી અને લાઇસન્સ વિના પોતાની ક્લિનિકમાં દર્દીઓને સારવાર આપી રહ્યા હતા

2026-08-14 20:12:52
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ દેવનાર અને બાંદ્રા વિસ્તારમાં પાંચ ક્લિનિકમાં રેઇડ પાડીને પાંચ બોગસ ડોક્ટરને પકડી પાડ્યા હતા, જેઓ મેડિકલની ડિગ્રી અને લાઇસન્સ વિના ક્લિનિકમાં દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. તેમની પાસેથી ઇન્જેક્શન્સ અને એન્ટિબાયોટિક ટેબ્લેટ્સ સહિત 1.19 લાખની મતા જપ્ત કરાઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-6 અને 8ના અધિકારીઓએ દેવનારના હુસેનનગર ખાતે ચાર ક્લિનિક તેમ જ બાંદ્રા પૂર્વ, નૌપાડા વિસ્તારમાં એક-એક ક્લિનિકમાં રેઇડ પાડી હતી, જ્યાંથી પાંચ બોગસ ડૉક્ટર મળી આવ્યા હતા, જેમની ઓળખ સગીર અહમદ અબ્દુલ માજીદ હાશમી ( ડો. સગીર ક્લિનિક), અખિલેશકુમાર દેવેન્દ્રકુમાર દુબે (ગાયત્રી ક્લિનિક), મેહમૂદ આલમ મોહંમદ શરીફ શેખ (આયેશા ક્લિનિક), કેશવ પ્રસાદ પટેલ (પટેલ ક્લિનિક) અને મોહંમદ આફતાબ શૌકીમ ખાન (આફતાબ ખાન ક્લિનિક) તરીકે થઇ હતી. તેમની વિરુદ્ધ દેવનાર અને નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

બાંદ્રા પૂર્વ અને દેવનાર વિસ્તારમાં કોઇ પણ મેડિકલ ડિગ્રી અને લાઇસન્સ ન હોવા છતાં બોગસ ડોક્ટરો દર્દીઓને સારવાર આપી અને તેમની પાસેથી મોટી રકમ લઇને છેતરપિંડી આચરી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચેય ડોક્ટરો પાસે મેડિકલ ડિગ્રી અને લાઇસન્સ નહોતા અને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં નોંધણી ન હોવા છતાં તેઓ પોતાને ડોક્ટર બતાવીને દર્દીઓને સારવાર આપી રહ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.