Mon Oct 05 2026

Logo

મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ ચાલુ જ રહેશે:

2026-09-06 08:51:00
Author: Sapna Desai
મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ ચાલુ જ રહેશે:

નાગરિકોની અપૂરતા પાણીની ફરિયાદને તાત્કાલિક દૂર કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પહેલાથી જ ૧૦ ટકા પાણીકાપનો સામનો મુંબઈગરા કરી રહ્યા છે, તેમાં પાછું શહેરના કેટલાક ભાગોમાં અપૂરતો પાણી પુરવઠો થઈ રહ્યો હોવાની સતત ફરિયાદો આવ્યા બાદ પ્રશાસને ઍન્જિનિયરોને તાત્કાલિક કાર્યવાહી કરવા અને કામચલાઉ સુધારા કરવાને બદલે મૂળ કારણને શોધીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો  નિર્દેશ આપ્યો છે. આ દરમ્યાન ઑગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ ઓછા વરસાદની શક્યાતને પગલે  ૧૦ ટકા પાણીકાપ પાછો ખેંચવા માટે કોઈ  ઉતાવળ કરવામાં આવશે નહીં એવું પ્રશાસને શુક્રવારે જાહેર કર્યું હતું.

મુંબઈના અમુક વિસ્તારોમાં કાયમ લો પ્રેશર સાથે ઓછું  પાણી મળી રહ્યું હોવાની  તથા પાણીના વિતરણમાં અનિયતિતા અને પાણીપુરવઠા સમયમાં કાયમ ફેરફાર થતો હોવાની ફરિયાદ  રહી છે ત્યારે પાલિકાન એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે પાણીપુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પાલિકાના મુખ્યાલયમાં મુંબઈની પાણીની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક દરમ્યાન બાંગરે અધિકારીઓને ઝોનવાર પાણી પુરવઠા સમયપત્રકની સમીક્ષા કરવા અને જ્યાં શક્ય હોય ત્યાં દિવસમાં  એક સુનિશ્ર્ચિત પાણી પુરવઠા માટેનું શેડ્યુલ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી મુંબઈના છેવાડા સુધીના વિસ્તારમાં  પૂરતું પાણી  પહોંચી રહે.
હાલના પાણી કાપના શેડ્યુલને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાગરિકોને સ્પષ્ટપણે જણાવવું જોઈએ. તે જ સમયે વિતરણ નેટવર્કમાં રહેલી ખામીઓ જેમાં ગળતર, દબાણ અસંતુલન અને કાર્યકારી ક્ષતિઓનો સમાવેશ થાય છે તેને ઓળખીને વિલંબ કર્યા વિના સુધારવાની સૂચના બાંગરે અધિકારીઓને આપી હતી.

તેમણે પાલિકાના અધિકારીઓ અને ઍન્જિનિયરોનેે નિયમિત તેમના વિસ્તારમાં જઈને ઈન્સ્પેકશન કરવાનું, આંતરિક-વિભાગીય સંકલન અને રહેવાસીઓ સાથે સીધી વાતચીત દ્વારા પાણી પુરવઠાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો નિર્દેશ પણ આપ્યા હતો. અસુવિધા ઘટાડવી અને ઉપલબ્ધ પાણીનું સમાન અને કાર્યક્ષમ વિતરણ સુનિશ્ર્ચિત કરવું એ ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ એવી સૂચના પણ તેમણે આપી હતી. 
મુંબઈમાં ૧૫ મેથી પાલિકા દ્વારા લાગુ કરાયેલ ૧૦ ટકા પાણી કાપ મુંબઈના છેવાડાના વિસ્તારમાં તેમ જ ઊંચાઈને આવેલા અને સંવેદનશીલ વિસ્તારોમાં અપ્રમાણસર રીતે અસર કરી રહ્યો છે, જેમાં રહેવાસીઓ અછત અને ગંભીર રીતે ઓછા દબાણની ફરિયાદ કરી રહ્યા છે.

દાદરના કેટલાક ભાગો સ્થાનિક નાગરિકો મહિનાઓથી ઓછા દબાણ સાથે પાણી પુરવઠાનો સામનો કરી રહ્યા છે.  તેથી સ્થાનિક નગરસેવકે પાલિકાને ઓછું પાણી આપવાને બદલે પાણી આપવાના  સમયગાળો ઘટાડવા વિનંતી કરી છે, જેથી પાણી પૂરતા દબાણ સાથે ઘરો સુધી પહોંચે. જૂની પાઇપલાઇનોને બદલવાથી લીકેજ પણ ઘટશે અને પુરવઠામાં સુધારો થશે એવું નગરસેવકોનું માનવું છે. પરેલના ઘણા ભાગોમાં એક મહિનાથી પાણીની તંગી છે. તહેવારોની મોસમ દરમ્યાન, રહેવાસીઓને ખૂબ જ ઓછા દબાણે પાણી મળી રહ્યું છે. 

૧૦ ટકા પાણીકાપ ચાલુ રહેશે
મુંબઈમાં ઓગસ્ટમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે. શહેરને પૂરો પાડતા સાત તળાવોને વર્ષભર પાણીની સુરક્ષા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧૪.૪૭ લાખ મિલિયન લિટર પાણીની જરૂર છે. પાંચ સપ્ટેમ્બર સુધીમાં જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ લગભગ ૯૫ ટકા હતો. અનિશ્ર્ચિ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ૧૦ ટકા પાણી કાપ હજુ પાછો ખેંચી શકાય તેમ નથી એવું એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.