Sun Jun 14 2026

Logo

નવો ઇતિહાસ રચાયોઃ મોરોક્કોની ઇલેવનનો એકેય ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નથી!

New Jersey   2026-06-14 18:16:39
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ જર્સીઃ ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે બ્રાઝિલના ખેલાડીઓએ અહીં મોરોક્કો સામેની મૅચને ડ્રૉમાં લઈ જઈને નિરાંતનો શ્વાસ લીધો હશે, કારણકે પોતાનાથી ઊતરતા ક્રમની મોરોક્કો (Morocco)ની ટીમ સામે પરાજય ન જોવો મળ્યો એનો બ્રાઝિલિયનોને હાશકારો થયો હશે. જોકે આ મુકાબલો રમનાર ખુદ બ્રાઝિલના તમામ ખેલાડીઓને મોરોક્કોની લડાયક ટીમ વિશેની એક રસપ્રદ હકીકત જાણમાં નહીં હોય. મોરોક્કોની ટીમે આ વખતે એક અનોખો ઇતિહાસ રચ્યો છે. આ મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ફિફા રૅન્કિંગમાં બ્રાઝિલ છઠ્ઠા અને મોરોક્કો સાતમા નંબરે છે.

ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયા તેમ જ સ્પેનના તાબા હેઠળના કેટલાક ટાપુઓની પાડોશમાં આવેલા મોરોક્કો દેશના ગોલકીપર સહિતના જે 11 ખેલાડી (Eleven players) બ્રાઝિલ સામેની મૅચમાં રમ્યા એ ઇલેવનમાંથી એકેય ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નહોતો. ખરેખર તો મોરોક્કોના આ ટૂર્નામેન્ટ માટેના કુલ 26માંથી 20 ખેલાડીમાં બીજા દેશમાં જન્મેલા છે. આમાંથી મોટા ભાગના પ્લેયર યુરોપના દેશોમાં અથવા કૅનેડામાં જન્મેલા છે.

મોરોક્કોમાં 99 ટકા ઇસ્લામ લોકોની વસતી છે. આ દેશના ફૂટબૉલ ફેડરેશને આ મૅચમાં મોરોક્કોમાં ન જનમ્યા હોય એવા તમામ 11 ખેલાડીઓને મેદાન પર ઊતારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. મોરોક્કો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે ફૂટબૉલ વર્લ્ડ કપમાં એવી સ્ટાર્ટિંગ ઇલેવનને રમવા ઊતારી જેના તમામ ખેલાડીઓ મોરોક્કો સિવાયના દેશમાં જન્મેલા છે. ખેલાડીઓની આ લાઇન-અપ બતાવે છે કે ફૂટબૉલની ટૅલન્ટ વિશ્વભરમાં ફેલાયેલી છે. 

મોરોક્કોની ફૂટબૉલ ટીમનો કયો ખેલાડી કયા દેશમાં જન્મ્યો?

(1) ગોલકીપર યાસિન બૉનો (કૅનેડા)
(2) નૉસેઇર મૅઝરૉની (નેધરલૅન્ડ્સ)
(3) ઇસ્સા ડિયૉપ (ફ્રાન્સ)
(4) શૅડી રિઆદ (સ્પેન)
(5) અશરફ હાકિમી (સ્પેન)
(6) નિલ અલ અયનૉઇ (ફ્રાન્સ)
(7) અયુબ બૉઉડી (ફ્રાન્સ)
(8) શેમ્સડાઇન તલ્બી (બેલ્જિયમ)
(9) બિલાલ અલ ખાનૌસ (બેલ્જિયમ)
(10) સામિર અલ મૉરાબેટ (ફ્રાન્સ)
(11) ઇસ્માઇલ સૈબેરી (સ્પેન).