ભુજઃ ભુજમાં લોનના બહાને દાગીના તથા સસ્તાં સોનાના નામે 22 લાખથી વધુની ઠગાઈની બે ઘટના બની હતી. ભુજના માધાપર ગામમાં સંબંધના નાતે મહિલા પાસેથી સોનાનાં ઘરેણા લોન લેવા માટે લીધા બાદ પરત ન આપતાં બે પરિવારજનો વિરુદ્ધ રૂ. ૧૮.૪૭ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ હતી.
મળતી વિગત પ્રમાણે, ૨૩-૫-૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન બનેલા આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે નવાવાસ ખાતે રહેતા રમીલાબેન શાંતિલાલ ગરવાએ તેમના કુટુંબીજનો એવા જયશ્રીબેન રમેશ અમૃત વેલજી ગરવા (રહે. બંને મફતનગર-માધાપર) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ સંબંધના નાતે તેમની પાસેથી સોનાનાં વિવિધ દાગીના મંગળસૂત્ર, બૂટિયા, રિંગ,ચેન, લોકેટ, પાટલા કિં.રૂા.૧૮,૪૭,૦૦૦ મેળવી, વિવિધ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇ આ ઘરેણા પરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હતી. માધાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં આજથી બે વર્ષ અગાઉ અમદાવાદના વ્યક્તિને બજાર ભાવ કરતાં સસ્તું સોનુ આપવાની લાલચ આપીને ખોટા નામ ધારણ કરનારા કચ્છના ત્રણ શખ્સો દ્વારા રૂ.૪.૩૦ લાખની ઠગાઈ કર્યાના જે-તે સમયે ચર્ચાસ્પદ બનેલા બનાવમાં ફરાર આરોપી જુસબ વલીમામદ કકલ (રહે. ઓધવવંદના સોસાયટી, ભુજ)ને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ભુજના એરપોર્ટ રોડ પર સંસ્કાર સ્કૂલ તરફ જતા માર્ગ પરથી આરોપી જુસબ કકલને દબોચી, પુછતાછ કરતા છેતરપિંડીના ગુનાની કબૂલાત આપવા ઉપરાંત રૂા. ૩.૩૦ લાખ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જુસબ સામે અગાઉ છેતરપિંડી, જમીન પચાવી પાડવા સહિતના વિવિધ ગુના પોલીસ મથકે નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)