Mon Oct 05 2026

Logo

બે દાયકા બાદ મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ આખરે શરૂ થશે

2026-10-05 07:55:00
Author: Sapna Desai
બે દાયકા બાદ મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ આખરે શરૂ થશે

વર્સોવા, અંધેરી અને જોગેશ્ર્વરીમાં પાણી ભરાવાની સમસ્યાથી થશે છૂટકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના લાંબા સમયથી પ્રતિક્ષિત ‘મોગરા પમ્પિંગ સ્ટેશન’નો વિચાર રજૂ થયાના બે દાયકા બાદ આખરે તે સાકાર થવા જઈ રહ્યું છે. પર્યાવરણીય મંજૂરીઓ મળ્યા બાદ ૧૫ ઑક્ટોબરથી તેનું કામ શરૂ થવાનું છે.  આ પ્રોજેક્ટથી વર્સોવા, અંધેરી અને જોગેશ્ર્વરીમાં વારંવાર આવતા પૂરની સમસ્યાનો ઉકેલ આવવાની અપેક્ષા છે.

ટાઈડલ ગેટ્સ (ભરતી-ઓટના દરવાજા), રિટેનિંગ વોલ્સ (આધારભૂત દીવાલો) અને આનુષંગિક માળખાગત સુવિધાઓ ધરાવતું આ પમ્પિંગ સ્ટેશન ઓશિવરા અને લોખંડવાલા નજીક આવેલા મોગરા નાળા પાસે બાંધવામાં આવશે. વર્ષ ૨૦૨૧માં ૩૯૩ કરોડ રૂપિયાના ખર્ચે અને ૨૪ મહિનાની સમયમર્યાદા સાથે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટમાં જમીન સંપાદનની અડચણો અને વર્સોવા-દહિસર કોસ્ટલ રોડના બીજા તબક્કા સાથે સ્થળ અંગેના વિવાદને કારણે વિલંબ થયો હતો. 

માર્ચ ૨૦૨૫માં પ્રાથમિક કામગીરી શરૂ થયા બાદ સ્થળ બદલીને લોખંડવાલા ક્રીક રોડ નજીક લઈ જવું પડ્યું હતું, જેના માટે ‘કોસ્ટલ રેગ્યુલેશન ઝોન’ની નવી મંજૂરી અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની અંતિમ મંજૂરીની જરૂર પડી હતી. પાલિકાના ઉચ્ચ  અધિકારીએ પુષ્ટિ કરી છે કે હવે તમામ પર્યાવરણીય મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.જોકે તેને પૂર્ણ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે, તેમ છતાં પાલિકા પ્રશાસન ૨૦૨૯ પહેલાં જ આ સુવિધા કાર્યરત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 

આ પ્રોજેક્ટ મુંબઈની ૧૩,૦૦૦ કરોડ રૂપિયાની ‘ઇન્ટિગ્રેટેડ ફ્લડ કંટ્રોલ એક્શન પ્લાન’નો એક ભાગ છે, જેને ચોમાસા દરમ્યાન શહેરમાં આવતા કાયમી પૂરની સમસ્યાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારનું આર્થિક સમર્થન પ્રાપ્ત છે. આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં ડ્રેનેજ અને પમ્પિંગ સિસ્ટમનું આધુનિકીકરણ, વરસાદી પાણીના નિકાલની ક્ષમતામાં વધારો, મીઠી નદીનું પુનરુત્થાન અને પૂરને રોકવા માટે પ્રકૃતિ-આધારિત પગલાંનો સમાવેશ થાય છે.
પાલિકાના અધિકારીએ ઉમેર્યું કે મોગરા પમ્પિંગ સ્ટેશન આ યોજનાનો એક મુખ્ય ઘટક છે.

સ્થાનિક નાગરિકના કહેવા મુજબ આ પ્રોજેક્ટમાં પહેલેથી જ વિલંબ થયો છે અને હવે અંધેરીમાં લિંક રોડ, વીરા દેસાઈ રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સમસ્યા હળવી કરવા માટે તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવો જોઈએ. સોફા અને અન્ય મોટા કદનો કચરો નાળામાં ફેંકવામાં આવી રહ્યો છે, જેનાથી જળમાર્ગ અવરોધાય છે અને તેની ક્ષમતા ઘટે છે. પાલિકા તંત્રએ નાળામાં કચરો ઠાલવવાની પ્રવૃત્તિ સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ  જ્યારે ભરતીને કારણે મુંબઈના ફ્લડગેટ્સ  બંધ થઈ જાય છે, ત્યારે પમ્પિંગ સ્ટેશનો વરસાદી પાણીનો દરિયામાં નિકાલ કરીને પાણી ભરાવાની સમસ્યા સામે શહેરના મુખ્ય રક્ષક તરીકે કામ કરે છે. મુંબઈમાં જુહુના ઈર્લા ખાતેનું પ્રથમ સ્ટેશન ૨૦૧૦માં કાર્યરત થયું હતું, ત્યારબાદ હાજી અલી, ક્લીવલેન્ડ, વરલીમાં લવગ્રોવ, રે રોડ-બ્રિટાનિયા અને ખાર દાંડા ખાતે ગઝધરબંધ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મોગરા અને મહુલ એમ બે સ્ટેશનો હજુ પણ અધૂરા પ્રોજેક્ટ્સની યાદીમાં છે. ૨૬ જુલાઈ ૨૦૦૫ના પૂર બાદ બ્રિમસ્ટોવર્ડ પ્રોજેક્ટ હેઠળ ચિતળે સમિતિ દ્વારા ભલામણ કરાયેલા આઠ પમ્પિંગ પ્રોજેક્ટમાં આ બંનેનો સમાવેશ થતો હતો, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયા નથી.