Sun May 31 2026

Logo

આજે આટલું જ...ન મૂર્તિ, ન પથ્થર... ફક્ત સંગેમરમર

2026-05-24 08:26:00
Author: Shobhi Desai
Article Image

 

 

 

આજે આટલું જ - શોભિત દેસાઈ

 

આજે લઈ જઉં તમને પાછો મારા દોરા ફૂટવાના દિવસોમાં. કવિતા તો સાવ જ ઠીક પણ ગદ્ય એટલે કે ભણતર દરમિયાન ટૂંકી વાર્તા અને જ્યોતિન્દ્ર-બકુલના હાસ્યલેખ અને વેકેશનમાં નવલકથા ચાલતા સંખેડાની પબ્લિક લાઈબ્રેરીના પ્રતાપે. એ લાઈબ્રેરીએ બાળપણની બધી વેકેશન એવી સભર, તરબતર કરેલી બકોર પટેલ (હરિપ્રસાદ વ્યાસ), મિયાં ફૂસકી (શતાયુ જીવરામ જોશી) સોટી પોઠી અડૂકિયો દડૂકિયો- છેલ છબો (ગિજુભાઈ બધેકા, રમણલાલ સોની અને ઘનશ્યામ દેસાઈ-કોણે કઈ શ્રેણી લખી એ વિષે મન કાળુધબ્બ)થી... એવામાં આવી હાથ નવલકથા હરકિસન મહેતા (મારો હવે 39 વર્ષનો દીકરો એમને એની કાલી બોલીમાં હર્ષકિશનકાકા કહેતો)ની ‘તરસ્યો સંગમ’. વાત આજની ખરેખર હવે શરૂ થાય છે, અત્યાર સુધી 2021માં હાર્યા પછી પશ્ર્ચિમ બંગાળ હારપ્રુફ બનાવતો હતો એમ સમજવું.

 

તો નવલકથામાં જેના ઉપરથી શીર્ષક લેવાયું છે મહેતા સાહેબની એ વેણીભાઈ પુરોહિતની ઘણી સારી નહીં પણ અદ્ભુત આખી ગઝલ છે જેનાથી વાત માંડું...

 

તને હું ક્રૂર પણ કહેતો નથી કાયર નથી કહેતો

મને ખામોશીઓ ભોંકાય છે ખંજર નથી કહેતો

મિલનના રંગ ઘૂંટું છું, વિરહરસના કસુંબામાં

કરું છું કેફ પણ એ, કેફને બખ્તર નથી કહેતો

સમંદરના તરંગોનું શમન થાતું સમંદરમાં,

બન્યું મઝધારમાં તે હું કિનારા પર નથી કહેતો.

કહ્યું કો શિલ્પકારે અણઘડેલા સંગેમરમરને,

તને મૂર્તિ નથી કહેતો અને પથ્થર નથી કહેતો.

મિલનની બંસરી છેડાય ને હૈયા અજંપામાં

ઘડીભર થરથરે તેને કદી હું ડર નથી કહેતો.

જીવનમાં આપણો તો આ સદા તરસ્યો જ સંગમ છે,

હૃદયના નેક પ્રેમીને કદી પામર નથી કહેતો.

રહું છું પ્રેમભક્તિમાં જ ભીંજાતો અને ગાતો,

વસું છું જે જિગરમાં તેને હું પિંજર નથી કહેતો.

ખરાબામાં ચડે છે નાવ મોજાના ભરોસા પર,

અજાણ્યા કોઈ કાંઠાને કદી બંદર નથી કહેતો.

કલેજામાં પડી છે રાખ ઊર્મિની ને આશાની,

પ્રણયની ભસ્મને હું કોઈ દિન કસ્તર નથી કહેતો.

તને તારી સમજદારી મુબારક હો મહોબ્બતમાં,

મને આશક કહું છું, પણ હું કીમિયાગર નથી કહેતો.

 

અણઘડેલો સંગેમરમર જે નથી મૂર્તિ, નથી પથ્થર અને જગતના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ શિલ્પકાર માઈકલેન્જલોને મળવા આજે મારે તમને લઈ જવા છે.

 

એક તો મૂર્તિકાર શિલ્પકારની કલા વિષે વિશેષ આદર તો હોય જ, કારણ? એક સાવ નઠારા પથરાને એવી કાબેલિયતભર્યા કોતરકામથી કંડારે. એમાંથી જ એ તમને જગતભરની નિરાંત આંખોમાં સમાવી બેઠેલા બુદ્ધના દર્શન કરાવે. એમાંય પાછા માઈકલેન્જલો... વચમાં તમે ઘણાં જ વધારે ગમી ગયા... (સોરી મરીઝ!)

 

આ અને આવા માઈકલેન્જલો ઈટલીના પોતાના શહેરના સંગમરમર (આરસપહાણ) વેચતા વેપારી પાસે પહોંચ્યા અને કહ્યું કે તમે દુકાનની પેલી તરફ રસ્તાને અડીને એક મોટો આરસ મૂકી રાખ્યો છે. કેટલાંય વર્ષોથી અહીંથી પસાર થતાં હું એને જોઉં છું, એને વેચવો નથી? દુકાનદારે કહ્યું: ‘એ વેચાતો નથી. મેં તો આશા જ છોડી દીધી છે અને સાવ પેલી બાજુ મૂકી દીધો છે. જેને લઈ જવો હોય એ લઈ જાય.’ માઈકલેન્જલો બોલ્યા: ‘હું લઈ જઈશ.’ દુકાનદાર તો ખુશ ખુશ. બોલ્યો: ‘લો, મારી તો જગ્યા ખાલી થઈ ગઈ. સાવ નક્કામો છે આ પથ્થર. લઈ જાઓ તમતમારે. મજૂરી પણ હું આપી દઈશ. લઈ જાઓ. અત્યારે જ... ઝંઝટ ટળી. જગ્યા ખાલી થઈ. હાશ...’ માઈકલેન્જલો પથ્થર લઈ ગયા. એકાદ વરસ પછી એક દિવસ માઈકલેન્જલો દુકાનદાર પાસે આવ્યા અને બોલ્યા ‘મારા ઘરે આવશો? કંઈક દેખાડવા લાયક છે...’ લઈ ગયા દુકાનદારને ઘેર. દુકાનદારે જોયું જે, આંખોથી આનંદના આસુ વહેવા માંડ્યા. બહુ મૂર્તિઓ જોઈ હતી એણે, પણ આવી ક્યારેય નહીં... માઈકલેન્જલોએ પથ્થરને રૂપાંતરિત કરી નાખ્યો હતો. દુકાનદારને તો યાદ પણ ના આવ્યું કે આ એ જ આરસનો નક્કામો જગા રોકીને બેઠેલો પથ્થર છે જે મેં મફત આપ્યો હતો અને મૂકી આવવાની મજૂરી ય ચુકવી હતી. માઈકલેન્જલોએ એ નક્કામાં પથ્થરમાંથી જે પ્રતિમા ઘડી હતી એ હતી જીસસ અને મરિયમની. જીસસને મરિયમે શૂળી પરથી ઉતાર્યા છે, જીસસની લાશને મરિયમ પોતાના હાથમાં લઈને બેઠી છે. કહે છે આવી અદ્ભુત પ્રતિમા બીજી જગતમાં બની નથી. દુકાનદાર ભાવાવેશમાં એટલું જ બોલ્યો: ‘આવા નક્કામા પથ્થરમાંથી આવી શ્રેષ્ઠ પ્રતિમા? કેમ માની શકાય?’ માઈકલેન્જલો એટલું જ બોલ્યા: ‘પરમાત્મા કશું નક્કામો બનાવતો જ નથી. આ મૂર્તિ તમે કહો છો એવા આ નક્કામા પથ્થરમાં હતી જ. મેં તો માત્ર એમાંથી બિનજરૂરી હતું એને દૂર કરવાનું જ કામ કર્યું છે...’

 

બનાવવી છે આપણે આપણી જાતને આવી જ સુંદર? તો ચાલો આજથી દરરોજ કોઈકને કૈંક ને કૈંક જરૂરી આપવાનું શરૂ કરીએ અને અહમ્, જડબુદ્ધિપણું, રાગ-દ્વેષ, મોટો કૃત્રિમ અવાજ, નાની વાતોમાં છંછેડાઈ જવું ઈત્યાદિ બિનજરૂરી કચરો દૂર કરી દઈએ.