Thu Jul 23 2026

Logo

મેસી ખૂબ રડ્યો: જોકે કારણ ફૂટબૉલ નથી, પણ બીજી જ તકલીફોને લીધે થયો ભાવુક

Kansas   2026-06-17 11:43:00
Author: Ajay Motiwala
Article Image

કૅન્સસ: ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી (Messi) આજે અહીં વર્લ્ડ કપમાં અલ્જીરિયા સામેની મૅચમાં પહેલો ગોલ કર્યા પછી ખૂબ રડવા લાગ્યો હતો. તે શા માટે રડ્યો (cried) એ વિશે તેણે પૂરી સ્પષ્ટતા નથી કરી, પરંતુ તેણે થોડી ઘણી ચોખવટ જરૂર કરી છે.

ગ્રૂપ-જેમાં આર્જેન્ટિનાએ આ મૅચ 3-0થી જીતી લીધી હતી. આ ત્રણેય ગોલ મેસીએ અનુક્રમે 17મી, 60મી અને 76મી મિનિટમાં કર્યા હતા. તેનો આ વિક્રમજનક છઠ્ઠો વર્લ્ડ કપ છે અને તેણે છેક છઠ્ઠા વર્લ્ડ કપમાં પહેલી વખત ગોલની હૅટ-ટ્રિક નોંધાવી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 16 ગોલની મિરોસ્લાવ કલોઝ (જર્મન ખેલાડી)ના વર્લ્ડ રેકોર્ડની બરાબરી પણ મેસીએ કરી લીધી છે.

મેસીએ યાદગાર બની ગયેલી આ મૅચમાં પહેલો ગોલ કર્યો ત્યારે સાથી ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકો એ ગોલ સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે મેસી થોડે દૂર ઊભા રહીને રડી રહ્યો હતો.

મૅચ પછી મેસીએ એ ભાવનાત્મક સ્થિતિ વિશે કહ્યું ‘હું ભાવુક થઈ ગયો અને રડી પડ્યો એ પાછળ ફૂટબૉલને લગતું કોઈ કારણ છે જ નહીં. હું થોડા મુશ્કેલ દિવસોમાંથી પસાર થયો હતો. મારી આ ભાવનાત્મક ક્ષણો સાથે ખેલફૂદને કંઈ જ લેવાદેવા નથી.'

મૅચમાં પ્રથમ ગોલ કર્યા બાદ પોતે શા માટે રડી પડ્યો એ વિશે તેણે વધુ કોઈ ચોખ્ખો ખુલાસો નથી કર્યો અને તેણે મુશ્કેલ દિવસોમાં પોતાને સાથ સહકાર આપવા બદલ આર્જેન્ટિનાના સાથી ખેલાડીઓ તેમ જ સપોર્ટ સ્ટાફ સહિતના પ્રતિનિધિમંડળનો આભાર માન્યો હતો. મેસીએ કહ્યું હતું કે ’હું રમવા માટે પૂરેપૂરો ફિટ રહું અને વર્લ્ડ કપમાં રમવા આવું એ માટે આ બધાએ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને હું સૌનો આભારી છું. મેં અત્યાર સુધીમાં જે કંઈ હાંસલ કર્યું છે એ માટે હું ગર્વ અનુભવ છું અને ખૂબ ખુશ છું.'