મહેસાણા: મહેસાણામાં જિલ્લા જમીન રેકોર્ડ નિરીક્ષક કચેરીનો સર્વેયર 70000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મહેસાણા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ (DILR) કચેરીના લાયસન્સ સર્વેયર આશિષ કુમાર પરમારને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. બેચરાજી તાલુકાના સુરજ ગામે આવેલા સર્વે નંબર 210ની જમીન માપણી માટે ફરિયાદીએ DILR કચેરીમાં અરજી કરી હતી. આ કામગીરી પૂર્ણ કરવા અને માપણી શીટ સબમિટ કરવાના બદલામાં આરોપી સર્વેયરે ફરિયાદી પાસે કુલ રૂપિયા 1.90 લાખની લાંચની માંગણી કરી હતી.
આરોપી આશિષ પરમારે લાંચના કુલ 1.90 લાખ રૂપિયામાંથી પ્રથમ હપ્તા તરીકે 70,000 રૂપિયા ચૂકવવા ફરિયાદીને જણાવ્યું હતું. જો કે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
એસીબીની ટીમે મહેસાણા સેસન્સ કોર્ટના ગેટ પાસે આવેલા નાસ્તા હાઉસ ખાતે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી સાથે લાંચની વાતચીત કર્યા બાદ આરોપી સર્વેયરે રૂ. 70,000 સ્વીકાર્યા હતા, જે સાથે જ વોચમાં રહેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની સમગ્ર રકમ જપ્ત કરી લીધી હતી. સરકારી પદનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરવા બદલ એસીબીએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.