હાલમાં જ્યાં જુઓ ત્યાં બાફટા એવોર્ડ (બ્રિટીશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે અને એમાં પણ બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે આ એવોર્ડમાં સેરેમનીમાં હિંદીમાં સ્પીચ આપીને લોકોને દિલ જિતી લીધા છે. હવે ફરી એક વખત આ એવોર્ડ સેરેમનીનો ઉલ્લેખ કરવાનું કારણ બન્યા છે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વાત જાણે એમ છે તે મણિપુરી ફિલ્મે ફરી એકવાર વૈશ્વિક સ્તર પર ભારતનો ડંકો વગાડ્યો છે, કારણ કે આ એવોર્ડ ફંક્શનમાં મણિપુરી ફિલ્મ 'બૂંગ' (Boong)એ એવોર્ડ મેળવીને ઈતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને ફિલ્મની આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં ફિલ્મના વખાણ કરતાં લખ્યું હતું કે મણિપુરી ફિલ્મ 'બૂંગ'ની આ ભવ્ય સફળતા વિશે સાંભળીને અત્યંત આનંદ થયો. બાફ્ટા એવોર્ડ મેળવવો એ માત્ર મણિપુર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. આ ફિલ્મ ઉત્તર-પૂર્વની સમૃદ્ધ સંસ્કૃતિ અને ત્યાં રહેલા ટેલેન્ટને વૈશ્વિક મંચ પર રજૂ કરે છે. આ સિદ્ધિ બદલ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો અને ટીમ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.
Congratulations to all those associated with this film. This is indeed a moment of immense joy, especially for Manipur. It also highlights the immense creative talent in our nation. https://t.co/fd95WriuTG
— Narendra Modi (@narendramodi) February 23, 2026
વાત કરીએ ફિલ્મની વાર્તા વિશે તો 'બૂંગ' ફિલ્મ એ એક એવા નાના છોકરાની ભાવનાત્મક સફર પર આધારિત છે, જે પોતાના પિતાને શોધવા નીકળે છે. આ વાર્તા મણિપુરની સામાજિક પૃષ્ઠભૂમિ અને માનવીય લાગણીઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રતિભાશાળી યુવા દિગ્દર્શક દ્વારા કરવામાં આવ્યું છે, જેમના કામની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મણિપુરી ભાષાની કોઈ ફિલ્મને બાફ્ટા જેવો મોટો પુરસ્કાર મળવો એ રિજનલ ફિલ્મ માટે એક માઈલસ્ટોન સમાન છે. પીએમ મોદીજીની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મની ટીમ પર લોકો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ્સ પણ આ સિદ્ધિને ભારતીય સિનેમાનો સુવર્ણકાળ ગણાવી રહ્યા છે. આ એવોર્ડ સાબિત કરે છે કે જો વાર્તામાં દમ હોય, તો ભાષા ક્યારેય અવરોધ બનતી નથી.