મુંબઈ: મહારાષ્ટ્રમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનનિરીક્ષણ એટલે કે એસઆઈઆરને લઈને બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર 5 ઓક્ટોબરે સુનાવણી થશે. અરજદારો તરફથી દલીલ કરવામાં આવી છે કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે દૂર થઈ શકે છે.
અરજદારોના વકીલે આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યની મતદાર યાદીમાંથી આશરે 2.10 કરોડ નામ દૂર થવાની શક્યતા છે. જોકે, આ આંકડો અરજદારો દ્વારા વ્યક્ત કરાયેલી આશંકા છે, અંતિમ રીતે નામો કપાઈ ગયા હોવાનું દર્શાવતો આંકડો નથી.
અરજદારોનું કહેવું છે કે તેઓ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા રોકવાની માગ કરી રહ્યા નથી. તેમની મુખ્ય માગ પ્રક્રિયાના કાનૂની આધાર, પદ્ધતિ અને તેના હેઠળ લેવામાં આવેલા નિર્ણયોની માહિતી જાહેર કરવાની છે.
અરજીમાં એસઆઈઆર કયા આદેશ અને કયા નોંધાયેલા કારણોના આધારે હાથ ધરવામાં આવી રહી છે તેની વિગતો જાહેર કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા રહે અને પાત્ર મતદારોનું નામ કોઈ ટેક્નિકલ ખામીને કારણે મતદાર યાદીમાંથી દૂર ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા કરવાની માગ છે.
અરજીમાં મતદારોને ‘ગેરહાજર’, ‘સ્થળાંતરિત’, ‘મૃત’ અને ‘બે વાર નોંધાયેલા’ જેવી શ્રેણીઓમાં મૂકવાની પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઘર-ઘર જઈને મતદાર વિગતો એકત્ર કરવાની પ્રક્રિયામાં ‘ગણતરી ફોર્મ ઉપલબ્ધ થઈ શક્યું નહીં’ તેવી શ્રેણીમાં આવતા મતદારોના નામ અંગે પણ અરજદારોએ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમની માગ છે કે કોઈ પાત્ર મતદારનું નામ દૂર કરતાં પહેલાં તેને યોગ્ય નોટિસ આપવામાં આવે, પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે અને કારણ દર્શાવતો નિર્ણય લેવામાં આવે.
અરજદારો દ્વારા વધુમાં દલીલ કરવામાં આવી છે કે ચૂંટણી પંચ મતદાર યાદીની ચકાસણી કરી શકે છે, પરંતુ કોઈ વ્યક્તિની નાગરિકતા અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા ચૂંટણી પંચ પાસે નથી. જો કોઈ વ્યક્તિની નાગરિકતા અંગે શંકા હોય તો તેનો નિર્ણય નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ સક્ષમ સત્તાધિકારી દ્વારા થવો જોઈએ, તેવી દલીલ અરજીમાં કરવામાં આવી છે. આ મુદ્દે અંતિમ નિર્ણય હાઈ કોર્ટ દ્વારા લેવામાં આવવાનો બાકી છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર દરમિયાન નોંધાયેલા આશરે 2.07 કરોડ ‘ગણતરી ફોર્મ ઉપલબ્ધ ન થઈ શક્યા’ના આંકડાને સીધો મતદારના નામ કપાઈ જવાના આંકડા તરીકે જોવો યોગ્ય નથી. તૈયાર કરાયેલી પ્રારંભિક મતદાર યાદી બાદ દાવા અને વાંધા રજૂ કરવાની પ્રક્રિયા પણ રાખવામાં આવી છે.
નામ છૂટી ગયું હોય તો ફોર્મ નંબર 6 દ્વારા નામ ઉમેરવા, ખોટી કે ડુપ્લિકેટ નોંધ સામે વાંધો લેવા ફોર્મ નંબર 7 અને નામ, ઉંમર, સરનામું અથવા અન્ય વિગતોમાં સુધારા માટે ફોર્મ નંબર 8નો ઉપયોગ કરી શકાય છે.
હાલ બોમ્બે હાઈ કોર્ટની 5 ઓક્ટોબરની સુનાવણી મહત્વપૂર્ણ બની છે. અરજદારોની માગણી મુખ્યત્વે એસઆઈઆરની કાનૂની પ્રક્રિયા અને પદ્ધતિમાં પારદર્શિતા, પાત્ર મતદારોને નામ કપાતા પહેલાં યોગ્ય તક અને ખોટી રીતે દૂર થયેલા નામ ફરી ઉમેરવાની વ્યવસ્થા સાથે સંબંધિત છે.
બીજી તરફ, ચૂંટણી તંત્રની પ્રક્રિયામાં દાવા, વાંધા અને સુધારા માટેની વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. હવે 5 ઓક્ટોબરે હાઈ કોર્ટ આ મુદ્દે શું દિશા આપે છે તેના હવે દરેકની નજર રહેશે.